<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જિમ્નેસ્ટિક્સ જગતમાં મોટો ભૂકંપ: દિગ્ગજ કોચ અલ ફોંગ અને બારુટ્યાન ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ; ઓલિમ્પિક ચેમ્પિયન્સ તૈયાર કરનાર દંપતી પર લાગ્યો પ્રતિબંધ

શારીરિક અને ભાવનાત્મક શોષણના આરોપ બાદ 'સેફસ્પોર્ટ'ની કડક કાર્યવાહી; વર્ષ ૨૦૩૦ સુધી કોચિંગ આપી શકશે નહીં અલ ફોંગ

સેન્ટ લુઇસ (અમેરિકા): અમેરિકન જિમ્નેસ્ટિક્સના ઇતિહાસમાં સૌથી સફળ ગણાતા કોચ પૈકીના એક, અલ ફોંગ અને તેમની પત્ની આર્મિન બારુટ્યાન પર શિસ્તભંગની કડક તલવાર વીંઝવામાં આવી છે. અનેક ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને તૈયાર કરનારા આ હાઈ-પ્રોફાઈલ કોચિંગ દંપતીને ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 'યુ.એસ. સેન્ટર ફોર સેફસ્પોર્ટ' દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રમતગમત જગતમાં સનસનાટી મચી ગઈ છે.
દાયકાઓ જૂની કારકિર્દી અને કડક સજા
મિઝોરીમાં 'ગ્રેટ અમેરિકન જિમ્નેસ્ટિક્સ એક્સપ્રેસ' (GAGE) નામનું પ્રખ્યાત તાલીમ કેન્દ્ર ચલાવતા અલ ફોંગને ૨૨ ડિસેમ્બર, ૨૦૩૦ સુધી એટલે કે આગામી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ભૂતપૂર્વ સોવિયેત યુનિયનની જિમ્નાસ્ટ રહી ચૂકેલી તેમની પત્ની આર્મિન બારુટ્યાનને એક વર્ષનો સસ્પેન્શન અપાયો છે. આ બંને પર રમતવીરો સાથે શારીરિક અને ભાવનાત્મક ગેરવર્તણૂક કરવાના ગંભીર આરોપો છે.
વિવાદો સાથે જૂનો નાતો
અલ ફોંગની કારકિર્દી વિવાદોથી અજાણી નથી. ભૂતકાળમાં તેમના હાથ નીચે તાલીમ લેનારા બે જિમ્નાસ્ટ્સના કરૂણ મૃત્યુ થયા હતા. ૧૯૯૧માં જુલિસા ગોમેઝ અને ૧૯૯૪માં ક્રિસ્ટી હેનરિચનું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મોત થયું હતું, જેના પગલે ફોંગની તાલીમ પદ્ધતિઓ સામે અગાઉ પણ સવાલો ઉઠ્યા હતા. સેફસ્પોર્ટે જણાવ્યું કે, "અમે તે લોકોના આભારી છીએ જેઓ પોતાની આપવીતી લઈને આગળ આવ્યા છે, જેથી રમતગમતની સંસ્કૃતિમાં બદલાવ લાવી શકાય."
કોચિંગ સેન્ટરનો વળતો પ્રહાર
બીજી તરફ, GAGE તાલીમ કેન્દ્રે આ તારણો સામે સખત અસંમતિ દર્શાવી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે, "આ નિર્ણય પ્રત્યક્ષદર્શીઓની જુબાની વગર લેવામાં આવ્યો છે અને અમે તેની સામે સ્વતંત્ર મધ્યસ્થી દ્વારા પડકાર ફેંકવાની યોજના ધરાવીએ છીએ." તેમની પાસે આ નિર્ણય સામે અપીલ કરવા માટે ૧૦ દિવસનો સમય છે.
વર્ષ ૨૦૨૪માં સેફસ્પોર્ટ પાસે ખેલાડીઓના શોષણની ૮,૦૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે, જે દર્શાવે છે કે રમતગમતના મેદાનમાં ખેલાડીઓની સુરક્ષા માટે હવે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની નીતિ અપનાવવામાં આવી રહી છે.

(7:43 PM IST)