News of Wednesday, 24th December 2025
યુપીમાં ભાજપના ૫૨ બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠકથી ગરમાયું રાજકારણ: અસંતોષ કે માત્ર સામાજિક મિલન? આયોજક ધારાસભ્ય પી.એન. પાઠકે કર્યો મોટો ખુલાસો
લિટ્ટી-ચોખા અને સહભોજ પાછળનો અસલી એજન્ડા શું હતો? ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ 'વેસ્ટર્ન કલ્ચર' અને તૂટતા પરિવારો અંગે વ્યક્ત કરી ચિંતા

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ભાજપના બ્રાહ્મણ ધારાસભ્યોની એક બેઠકે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. આ બેઠકને કેટલાક લોકો બ્રાહ્મણ સમુદાયની નારાજગી તરીકે જોઈ રહ્યા છે, તો કેટલાક તેને ઠાકુર ધારાસભ્યોની અગાઉની બેઠકના જવાબ તરીકે ગણાવી રહ્યા છે. જોકે, બેઠકનું આયોજન કરનાર કુશીનગરના ધારાસભ્ય પી.એન. પાઠક અને મિર્ઝાપુરના ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
શું બ્રાહ્મણો નારાજ છે? પી.એન. પાઠકનો જવાબ
બેઠકનું આયોજન કરનાર ભાજપના ધારાસભ્ય પી.એન. પાઠકે સ્પષ્ટતા કરી છે કે આ બેઠકમાં કોઈ રાજકીય હેતુ નહોતો. તેમણે કહ્યું, "મીડિયામાં એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે બ્રાહ્મણો નારાજ છે, પણ આ વાતોમાં કોઈ સત્ય નથી. આ માત્ર એક સહભોજ (સામાજિક લંચ) હતો જેમાં માત્ર ભાજપના જ ધારાસભ્યો હાજર હતા. અમે સામાજિક કલ્યાણ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી."
સામાજિક પતન અને તૂટતા પરિવારો પર મંથન
ધારાસભ્ય રત્નાકર મિશ્રાએ બેઠકના એજન્ડા વિશે વાત કરતા ભાવુક થઈને જણાવ્યું કે, આજનો સમાજ અને પરિવારો વિખેરાઈ રહ્યા છે. તેમણે કહ્યું, "પહેલા ત્રણ પેઢીઓ એક છત નીચે રહેતી હતી, પણ આજે બાળકો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોડી રહ્યા છે અને વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે. બ્રાહ્મણ સમાજ હંમેશા મૂલ્યો અને સંસ્કારોનો રક્ષક રહ્યો છે, તેથી અમે ચર્ચા કરી કે કેવી રીતે ફરીથી એકતા અને સંસ્કારો સ્થાપિત કરી શકાય."
જ્ઞાતિ આધારિત બેઠકોનો ટ્રેન્ડ?
આ બેઠકને લઈને ઉઠેલા સવાલોના જવાબમાં રત્નાકર મિશ્રાએ તર્ક આપ્યો કે અગાઉ ઠાકુર અને કુર્મી ધારાસભ્યોની પણ આવી જ બેઠકો થઈ હતી. તેમણે ઉમેર્યું કે દરેક સમુદાયે પોતાના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને સામાજિક ઉથલપાથલ રોકવા માટે આવા મિલન કરવા જોઈએ. આમાં કંઈ ખોટું નથી.
નોંધનીય છે કે આ બેઠક ધારાસભ્ય પી.એન. પાઠકના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં લિટ્ટી-ચોખાની જ્યાફત માણવામાં આવી હતી. રાજકીય વિશ્લેષકો આને ૨૦૨૭ની ચૂંટણી પહેલા સમુદાયોને એક કરવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે, જ્યારે ભાજપના નેતાઓ તેને માત્ર 'શિષ્ટાચાર મિલન' ગણાવી રહ્યા છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
