News of Wednesday, 24th December 2025
કરોડોની સંપત્તિ અને 'નકલી' વસિયતનામું: કરિશ્મા કપૂરના બાળકોએ પિતાની મિલકત માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા; દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
સાવકી માતા પ્રિયા કપૂર પર વસિયતનામા સાથે છેડછાડના સનસનાટીભર્યા આરોપો; ફોરેન્સિક તપાસની માંગ સાથે કાયદાકીય જંગ તેજ બન્યો

નવી દિલ્હી : બોલિવૂડ દિવા કરિશ્મા કપૂરના બાળકો, સમાયરા અને કિયાન, અત્યારે તેમના સ્વર્ગસ્થ પિતા સંજય કપૂરની મિલકતને લઈને કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલા આ હાઈ-પ્રોફાઈલ મિલકત વિવાદમાં બાળકોએ તેમના પિતાના વસિયતનામા (Will) ને નકલી ગણાવીને ગંભીર આરોપો લગાવ્યા છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે હવે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.
વસિયતનામા સાથે છેડછાડનો દાવો
કરિશ્માના બાળકો તરફથી હાજર રહેલા ખ્યાતનામ વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં ચોંકાવનારી દલીલો કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે સંજય કપૂર તેમના પુત્ર સાથે વેકેશન પર હતા, ત્યારે તેમના વસિયતનામામાં ગુપ્ત રીતે ફેરફાર કરવામાં આવ્યા હતા. વધુમાં, જે વ્યક્તિએ વસિયતનામામાં સુધારો કર્યો હતો, તેને સંજય કપૂરના અવસાનના માત્ર એક જ દિવસ પછી કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબત વસિયતનામાની સત્યતા પર મોટા સવાલો ઊભા કરે છે.
સાવકી માતા સામે આક્ષેપોની ઝડી
બાળકોનો સીધો આરોપ તેમની સાવકી માતા પ્રિયા કપૂર પર છે. તેમનું કહેવું છે કે સંજય કપૂરે તેમને મિલકતમાં હિસ્સો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ પ્રિયા કપૂરે કથિત રીતે વસિયતનામા સાથે છેડછાડ કરીને તેમનું નામ હટાવી દીધું છે અને મિલકત હડપ કરવાનો પ્રયાસ કર્યો છે. બાળકોએ આ વસિયતનામાની ફોરેન્સિક તપાસ કરવાની માંગ કરી છે, જોકે સાવકી માતાના વકીલે આ માંગનો સખત વિરોધ કર્યો છે.
સંજય કપૂરનો જટિલ પારિવારિક ઈતિહાસ
ઉદ્યોગપતિ સંજય કપૂરના લગ્ન જીવનનો ઇતિહાસ ઘણો ચર્ચાસ્પદ રહ્યો છે. તેમણે ત્રણ લગ્ન કર્યા હતા:
૧. પ્રથમ લગ્ન ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની સાથે.
૨. બીજા લગ્ન કરિશ્મા કપૂર સાથે (જેમનાથી બે બાળકો સમાયરા અને કિયાન છે. ૨૦૧૬માં તેમના છૂટાછેડા થયા હતા).
૩. ત્રીજા લગ્ન પ્રિયા સચદેવ સાથે (જેમનાથી એક પુત્ર અઝારિયસ છે).
સંજય કપૂરના અવસાન બાદ તેમની વિશાળ સંપત્તિના વારસદાર કોણ બનશે, તે હવે કોર્ટના ચુકાદા પર નિર્ભર છે. હાઈકોર્ટે પ્રિયા કપૂર અને વસિયતનામાના અમલકર્તાને તેમનો જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસના ચુકાદા પર માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ઉદ્યોગ જગતની પણ નજર મંડાયેલી છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
