News of Wednesday, 24th December 2025
દિલ્હી મેટ્રોની રજત જયંતી તરફ કૂચ: સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ; અટલજીએ જે ટ્રેનને લીલી ઝંડી આપી હતી તે આજે પણ ટેકનોલોજીના દમ પર દોડી રહી છે 'સુપરફાસ્ટ'
૨.૯ મિલિયન કિમીની સફર અને ૬૦ મિલિયન મુસાફરોનો અતૂટ વિશ્વાસ; પોતાની જરૂરિયાતની ૪૦ ટકા વીજળી જાતે પેદા કરી દિલ્હી મેટ્રોએ સ્થાપ્યો નવો કીર્તિમાન

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરની 'લાઈફલાઈન' ગણાતી દિલ્હી મેટ્રોએ આજે તેના ગૌરવશાળી ૨૩ વર્ષ પૂર્ણ કર્યા છે. બરાબર ૨૩ વર્ષ પહેલા, ૨૪ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શાહદરા અને તીસ હજારી વચ્ચે પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને ભારતમાં માસ ટ્રાન્સપોર્ટના એક નવા યુગનો પ્રારંભ કરાવ્યો હતો. આજે તે પ્રથમ ટ્રેન માત્ર એક યાદગીરી નથી, પણ આધુનિક ટેકનોલોજી સાથે અપગ્રેડ થઈને હજુ પણ લાખો મુસાફરોને મંજિલ સુધી પહોંચાડી રહી છે.
૨૩ વર્ષની ઐતિહાસિક સફરના આંકડા
૨૦૦૨માં જે ટ્રેન માત્ર ૪ કોચ સાથે શરૂ થઈ હતી, તે આજે ૮ કોચના વિશાળ કાફલા સાથે દોડી રહી છે. આ ટ્રેને અત્યાર સુધીમાં આશરે ૨.૯ મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું છે, જે પૃથ્વીના અનેક ચક્કર લગાવવા સમાન છે. આ મુસાફરી દરમિયાન મેટ્રોના દરવાજા ૨.૪ મિલિયન વાર ખુલ્યા છે અને ૬૦ મિલિયનથી વધુ મુસાફરોએ તેમાં સુરક્ષિત સફર કરી છે. ૨૪ કરોડના ખર્ચે બનેલી આ પ્રથમ ટ્રેન આજે પણ DMRCની જાળવણી ટીમને કારણે નવી જેવી જ કાર્યક્ષમ છે.
પર્યાવરણની રક્ષા: ૪૦ ટકા વીજળીનું પુનઃ ઉત્પાદન
દિલ્હી મેટ્રોની સૌથી મોટી સિદ્ધિ તેની 'રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ' છે. આ ટેકનોલોજીને કારણે ટ્રેન જ્યારે બ્રેક મારે છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. મેટ્રો પોતાની કુલ જરૂરિયાતના આશરે ૪૦ ટકા વીજળી આ રીતે જાતે જ પેદા કરે છે, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં અને પર્યાવરણને બચાવવામાં મોટું યોગદાન આપે છે.
નવા વર્ષમાં નવી સુવિધાઓનો ભેટ
વર્ષ ૨૦૨૪-૨૫માં મેટ્રોનું સંપૂર્ણ પુનર્વસન કરવામાં આવ્યું છે. હવે મુસાફરોને ટ્રેનની અંદર જ મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ સોકેટ્સ, LCD ડાયનેમિક રૂટ મેપ્સ અને અત્યાધુનિક CCTV કેમેરા જેવી સુવિધાઓ મળી રહી છે. વધુમાં, નવા વર્ષથી સુરક્ષા વધારવા માટે તમામ સામાન ચેકિંગ એક્સ-રે મશીનો પર ખાસ કેમેરા લગાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ જશે.
ટૂંક સમયમાં દિલ્હી મેટ્રો નેટવર્કની લંબાઈની દ્રષ્ટિએ વિશ્વના ટોચના ૫ શહેરોમાં સામેલ થઈ જશે. મેટ્રોની આ ૨૩ વર્ષની સફર ભારતની પ્રગતિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જીવંત ઉદાહરણ છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
