News of Wednesday, 24th December 2025
'હિન્દુસ્તાનની આર્થિક કરોડરજ્જુ તોડવાનું કાવતરું': રાહુલ ગાંધીએ વેપારીઓ સાથેના સંવાદમાં કેન્દ્રને ઘેર્યું:"એકાધિકારને છૂટ અને નાના વ્યવસાયોને GSTના ભરડામાં જકડ્યા"
વેપારી સમુદાયની દુર્દશા એ અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી; ભાજપની 'સામંતવાદી માનસિકતા' સામે છેલ્લે સુધી લડવાની રાહુલ ગાંધીની ગર્જના

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક અને આક્રમક પોસ્ટ દ્વારા દેશના નાના અને મધ્યમ કદના વેપારીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં આયોજિત 'વ્યાપાર સંવાદ' કાર્યક્રમમાં વેપારી સમુદાયના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત બાદ રાહુલે કહ્યું કે, જે સમુદાયે દેશના અર્થતંત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે, તે આજે પતનની આરે ઉભો છે અને નિરાશામાં ગરકાવ છે.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની નીતિઓ માત્ર ગણ્યાગાંઠ્યા મોટા ઉદ્યોગપતિઓના 'એકાધિકાર' (Monopoly) ને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું કે, "સરકારે મોટા કોર્પોરેટ ગૃહોને ખુલ્લી છૂટ આપી દીધી છે, જ્યારે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને જટિલ GST અને નોકરશાહીના રક્ષસના ભરડામાં ફસાવી દીધા છે. આ માત્ર નીતિગત ભૂલ નથી, પરંતુ ભારતના મેન્યુફેક્ચરિંગ અને રોજગાર ક્ષેત્ર પર સીધો હુમલો છે."
પોતાની પોસ્ટમાં રાહુલે આગળ લખ્યું કે, ભાજપ સરકારની વિચારસરણી સામંતવાદી છે, જ્યાં તે અમુક ખાસ લોકોના હિતોનું રક્ષણ કરે છે. તેમણે વૈશ્ય સમુદાયને દેશના વેપારની કરોડરજ્જુ ગણાવતા ખાતરી આપી કે, "હું મારી પૂરી શક્તિથી તમારી સાથે ઉભો છું. આપણે આ ભેદભાવભરી વ્યવસ્થા સામે લડવું પડશે જેથી દેશનો સામાન્ય વેપારી ફરીથી ગર્વ સાથે કામ કરી શકે."
રાહુલ ગાંધીએ વેપારી સમુદાયના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કરી હતી, જેમાં વેપારીઓએ GSTની જટિલતાઓ, ઈન્સ્પેક્ટર રાજ અને મોટા ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ઉભા કરવામાં આવેલા પડકારો વિશે રજૂઆત કરી હતી. આ કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીએ ટૂંકા ગાળામાં નાના વેપારીઓ માટે એક મજબૂત આર્થિક રણનીતિ રજૂ કરવાનો સંકેત આપ્યો છે.
રાહુલ ગાંધીના આ પ્રહારો બાદ હવે રાજકીય ગલિયારાઓમાં અર્થતંત્ર અને GSTની સમીક્ષા અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
