News of Wednesday, 24th December 2025
માતા-પિતાનું છત્ર ગુમાવ્યું પણ હિંમત નહીં: આંધ્રની દીકરીએ સાયકલ પર ૩૭ દેશો ખુંદી વળ્યા; પર્વતો સર કરી હવે બિહારના વિદ્યાર્થીઓને શીખવી રહી છે 'ખુલ્લી આંખે સપના જોવાની' કળા!
૯ વર્ષે માતા અને ૧૫ વર્ષે પિતાને ગુમાવનાર સમીરા ખાનનું લક્ષ્ય હવે માઉન્ટ એવરેસ્ટ; સાયકલિંગ દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશ લઈ નીકળેલી વિરાંગનાની સંઘર્ષગાથા

નવાદા (બિહાર) : દુનિયા ફરવાનું સપનું તો ઘણા જુએ છે, પણ જ્યારે માથે આભ ફાટ્યું હોય અને ખિસ્સામાં મર્યાદિત સાધનો હોય ત્યારે હાર માની લેવી સહેલી હોય છે. પરંતુ આંધ્રપ્રદેશના અનંતપુરની રહેવાસી સમીરા ખાને સાબિત કરી દીધું છે કે જો મન મક્કમ હોય તો સાયકલ પર પણ દુનિયા જીતી શકાય છે. તાજેતરમાં આ આંતરરાષ્ટ્રીય સાયકલિસ્ટ અને પર્વતારોહક બિહારના નવાદા પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમીરાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. માત્ર ૯ વર્ષની નાની ઉંમરે તેણે પોતાની માતાને ગુમાવી દીધી હતી. પિતાનો ટેકો હતો, પણ ૨૦૧૫ માં પિતાનું પણ અવસાન થતા સમીરા સાવ એકલી પડી ગઈ હતી. અનાથ થયા પછી પણ તેણે હિંમત હારવાને બદલે ૨૦૧૮ માં 'મિશન માઉન્ટ એવરેસ્ટ' ના સંકલ્પ સાથે સાયકલ યાત્રા શરૂ કરી હતી.
સમીરા ખાને અત્યાર સુધીમાં ફ્રાન્સ, જર્મની, નોર્વે, તુર્કી, શ્રીલંકા, થાઇલેન્ડ અને નેપાળ સહિત વિશ્વના ૩૭ દેશોની મુસાફરી માત્ર સાયકલ દ્વારા પૂર્ણ કરી છે. તે માત્ર સાયકલિસ્ટ જ નહીં પણ એક કુશળ પર્વતારોહક પણ છે. તેણે ૧૧ ઊંચા શિખરો સર કરવાનો પ્રયાસ કર્યો છે, જેમાંથી ૭ માં તેને સફળતા મળી છે. નેપાળનું ૬,૮૫૯ મીટર ઊંચું 'અમા દબલમ' શિખર સર કરવું એ તેની મોટી સિદ્ધિ છે. હવે તેનું અંતિમ લક્ષ્ય વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ભારતનો તિરંગો લહેરાવવાનું છે.
હાલમાં સમીરા ભારતભરની શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી રહી છે. બિહારના નવાદામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેણે કહ્યું, "ભારતમાં એક છોકરી માટે સાયકલ પર એકલા ફરવું એ સુરક્ષા અને સામાજિક રીતે મોટો પડકાર છે, પણ આપણે નબળા નથી. છોકરીઓને પણ છોકરાઓ જેટલી જ તકો મળવી જોઈએ." સમીરા દરરોજ ૫૦-૬૦ કિલોમીટર સાયકલ ચલાવે છે.
સમીરા હવે પોતાની આ અદભૂત મુસાફરી પર એક પુસ્તક લખવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત, તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે એક સંસ્થા સ્થાપવા માંગે છે જેથી અન્ય દીકરીઓ પણ પોતાના સપના પૂરા કરી શકે. સમીરાની આ સફર એ વાતનું ઉદાહરણ છે કે જો તમારી પાસે હિંમત હોય, તો દુનિયાની કોઈ પણ મુસીબત તમને રોકી શકતી નથી.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
