<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બિહારમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો: 'રીલ' બનાવવાનો ઘેલછામાં સગીરોએ ટ્રેનના કાચ ફોડ્યા; RPFએ ત્રણ કિશોરોની ધરપકડ કરતા મચ્યો ખળભળાટ

મુઝફ્ફરપુરમાં હાઇસ્પીડ ટ્રેન પર કરાયો હુમલો; ત્રણ કોચને નુકસાન પહોંચતા રેલવે તંત્ર એક્શનમાં, સોશિયલ મીડિયાના શોખમાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો

મુઝફ્ફરપુર : બિહારમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી એકવાર પથ્થરમારાની શરમજનક ઘટના સામે આવી છે. મુઝફ્ફરપુરના કાંતી રેલવે લાઇન પાસે કેટલાક સગીર કિશોરોને સોશિયલ મીડિયા પર 'રીલ' બનાવવાનો શોખ એટલો મોંઘો પડ્યો કે હવે તેઓ પોલીસના સકંજામાં છે. આ પથ્થરમારામાં આધુનિક સુવિધાઓથી સજ્જ વંદે ભારત ટ્રેનના ત્રણ ડબ્બાના કાચ ફૂટી ગયા છે, જેના કારણે મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, મંગળવારે જ્યારે ટ્રેન નંબર ૨૬૫૦૨ નરકટિયાગંજથી મુઝફ્ફરપુર તરફ જઈ રહી હતી, ત્યારે રેલવે ટ્રેક પાસે ઉભેલા કેટલાક કિશોરોએ વિડિયો ઉતારતી વખતે અચાનક ટ્રેન પર પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું. આ અણધારી ઘટનાને કારણે ટ્રેનના ત્રણ કોચના કાચને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.
ઘટનાની જાણ થતા જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એલર્ટ થઈ ગઈ હતી. મુઝફ્ફરપુર રેલવે સુપરિન્ટેન્ડેન્ટ વીણા કુમારીએ જણાવ્યું કે, પથ્થરમારો કરનાર ત્રણ સગીરોની તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેઓ માત્ર મોજ-મસ્તી અને સોશિયલ મીડિયા માટે વિડિયો બનાવવાના હેતુથી આ કૃત્ય કરી રહ્યા હતા. હાલમાં તેમની સામે રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રેલવે પ્રશાસને આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવું એ ગુનો છે અને આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકો પર નજર રાખે અને તેમને રેલવે ટ્રેક પાસે જોખમી સ્ટંટ કે રીલ બનાવતા અટકાવે.
વંદે ભારત જેવી સેમી-હાઈસ્પીડ ટ્રેનો પર પથ્થરમારાની વધતી ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે

(8:52 PM IST)