<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

મહારાષ્ટ્રમાં ફરી 'રાજકીય ભૂકંપ'ના એંધાણ? શરદ પવાર NDAમાં જોડાશે? સીએમ ફડણવીસે પવારને 'ચાણક્ય' ગણાવી કહ્યું- "રાજકારણમાં કંઈપણ અશક્ય નથી!"

RSSના વખાણ કર્યા બાદ શરદ પવાર પ્રત્યે ભાજપનું વલણ કૂણું પડ્યું; ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પણ 'દુશ્મન' ગણવાનો ઇનકાર કર્યો, શું ૨૦૨૬ પહેલા મહારાષ્ટ્રમાં રચાશે નવું સમીકરણ?

નાગપુર : મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા અણધાર્યા વળાંકો માટે જાણીતું છે, અને હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (SP) ના વડા શરદ પવારના મન ખોલીને વખાણ કરતા રાજ્યમાં નવી અટકળો શરૂ થઈ છે. ફડણવીસે પવારને રાજકારણના 'ચાણક્ય' ગણાવ્યા છે. આ પ્રશંસા પાછળનું કારણ શરદ પવારનું તે નિવેદન છે જેમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની કાર્યપદ્ધતિ અને શક્તિના વખાણ કર્યા હતા.
જ્યારે મુખ્યમંત્રીને પૂછવામાં આવ્યું કે શું શરદ પવાર ભવિષ્યમાં NDA કે મહાયુતિ ગઠબંધનમાં જોડાઈ શકે છે? ત્યારે ફડણવીસે અત્યંત સૂચક જવાબ આપતા કહ્યું કે, "૨૦૧૯ થી ૨૦૨૪ સુધીની ઘટનાઓ જોયા પછી મને સમજાયું છે કે રાજકારણમાં કંઈપણ અશક્ય નથી. જો ઉદ્ધવ ઠાકરે વિચારધારા બદલીને બીજા પક્ષમાં જઈ શકે અને અજિત પવાર આપણી સાથે આવી શકે, તો કંઈપણ થઈ શકે છે." જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અત્યારે આવું થશે જ તેવું નથી કહી રહ્યા, પણ શક્યતાઓને નકારી પણ શકાય નહીં.
ફડણવીસે નોંધ્યું હતું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષે 'બંધારણ બદલવા'ના જે ખોટા કથન (Narrative) ફેલાવ્યા હતા, તેને RSS એ કેવી રીતે જમીન સ્તર પર જઈને પરાસ્ત કર્યા તે શરદ પવાર સમજી ગયા છે. તેમણે ઉમેર્યું કે, "પવાર સાહેબ હવે સમજી ગયા છે કે સંઘ એ માત્ર રાજકીય બળ નથી પણ એક પ્રખર રાષ્ટ્રવાદી બળ છે. કોઈપણ સ્પર્ધામાં જ્યારે તમે પ્રતિસ્પર્ધીના વખાણ કરો છો, ત્યારે તે તમારી પરિપક્વતા દર્શાવે છે."
માત્ર શરદ પવાર જ નહીં, ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પ્રત્યે પણ નરમ વલણ દાખવ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પહેલા અમારા મિત્ર હતા અને આજે પણ શિવસેના (UBT) અમારા માટે 'દુશ્મન' નથી, માત્ર રાજકીય વિરોધી છે. રાજ ઠાકરે સાથેની મિત્રતા વિશે પણ તેમણે હકારાત્મક વાત કરી હતી.
ફડણવીસના આ નિવેદનો બાદ મહારાષ્ટ્રમાં 'મહા વિકાસ આઘાડી' (MVA) માં ફફડાટ ફેલાયો છે. શું પવાર ખરેખર કોઈ મોટી રાજકીય ચાલ ચાલી રહ્યા છે કે પછી આ માત્ર ચૂંટણી પછીની વ્યૂહાત્મક પ્રશંસા છે? તે તો આવનારો સમય જ બતાવશે

(8:53 PM IST)