News of Wednesday, 24th December 2025
દિલ્હીની હવા કે હલાહલ ઝેર? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વ્યક્ત કરી વેદના; "બે દિવસ દિલ્હીમાં રહ્યો ને ગળું પકડાઈ ગયું, 40% પ્રદૂષણ માટે અમારું પરિવહન ખાતું જવાબદાર"
દેશના પરિવહન મંત્રીએ સ્વીકાર્યું કડવું સત્ય: ગાડીઓનો ધુમાડો શ્વાસ લેવો મુશ્કેલ કરી રહ્યો છે; એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખતરનાક સ્તરે પહોંચતા ગડકરીએ 'રાષ્ટ્રવાદ' અને 'પર્યાવરણ' પર છેડી નવી ચર્ચા

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા હવે માત્ર સામાન્ય જનતા માટે જ નહીં, પણ સત્તાના ગલિયારાઓમાં બેસતા દિગ્ગજ નેતાઓ માટે પણ શારીરિક પીડાનું કારણ બની રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન દિલ્હીની ઝેરી હવા અંગે ભારે નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. ગડકરીએ પોતાનો અંગત અનુભવ શેર કરતા કહ્યું કે, દિલ્હીના પ્રદૂષણને કારણે તેમના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી છે.
"બે દિવસમાં તો ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું": નીતિન ગડકરીએ ગંભીરતાથી નોંધ્યું કે, "આપણે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ? હું દિલ્હીમાં માંડ બે દિવસ રહું છું અને મને ગળામાં ઈન્ફેક્શન (ખરાશ) થઈ જાય છે. આખું દિલ્હી શહેર પ્રદૂષણથી કેમ પીડાઈ રહ્યું છે?" તેમણે વધુમાં ઉમેર્યું કે આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે અને તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
પોતાના વિભાગની જવાબદારી સ્વીકારતા ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું કે, "હું પરિવહન મંત્રી છું અને મારે સ્વીકારવું જોઈએ કે કુલ પ્રદૂષણમાં 40 ટકા ફાળો પરિવહન ક્ષેત્રનો છે." તેમણે પ્રદૂષણ ઘટાડવા માટે ઇંધણની આયાત ઘટાડવા અને ગ્રીન એનર્જી તરફ વળવાને જ સાચો 'રાષ્ટ્રવાદ' ગણાવ્યો હતો. તેમના મતે, ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ જ દિલ્હીને આ ઝેરી હવામાંથી મુક્તિ અપાવી શકે છે.
ગડકરીના નિવેદન બાદ હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે સંસદ ભવનની આસપાસ AQI 250ની આસપાસ નોંધાયો હતો, જ્યારે કનોટ પ્લેસમાં 210 અને ITO જેવા ટ્રાફિકથી ભરચક વિસ્તારોમાં 200ની આસપાસ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક હોવાથી પ્રદૂષણ થોડું ઓછું છે, પરંતુ જો પવન શાંત પડશે તો દિલ્હી ફરી 'ગેસ ચેમ્બર' બની શકે છે. કેન્દ્રીય મંત્રીની આ ટિપ્પણી બાદ હવે પરિવહન નીતિઓમાં મોટા ફેરફારો અને પ્રદૂષણ નિયંત્રણ માટેના કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
