<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બાંગ્લાદેશમાં લોહીયાળ નાતાલ: ઢાકામાં ફ્લાયઓવર પરથી ઝીંકાયો 'ડેથ બોમ્બ' : યુવાનની ખોપરીના ઉડ્યા ચીથરા

ક્રિસમસની પૂર્વ સંધ્યાએ મોગબજારમાં થયેલા ભીષણ પેટ્રોલ બોમ્બ વિસ્ફોટે મચાવી તબાહી: તારિક રહેમાનના પરત ફર્યાના 24 કલાકમાં જ રાજધાની ધણધણી ઉઠી : ચર્ચની નજીક થયેલા હુમલાથી લઘુમતીઓમાં ફફડાટ

ઢાકા: બાંગ્લાદેશમાં શાંતિ અને ઉત્સવના માહોલ વચ્ચે ફરી એકવાર હિંસાનું અંધારું છવાયું છે. નાતાલના પવિત્ર તહેવારની પૂર્વ સંધ્યાએ ઢાકાના મોગબજાર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક નિર્દોષ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે શહેર રોશનીથી ઝળહળી રહ્યું હતું ત્યારે અચાનક આકાશમાંથી મોત બનીને એક પેટ્રોલ બોમ્બ ત્રાટક્યો હતો. ફ્લાયઓવર પરથી અજાણ્યા તોફાની તત્વોએ નીચે બોમ્બ ફેંક્યો હતો, જે સીધો જ રસ્તે પસાર થઈ રહેલા સૈફુલ સિયામ નામના યુવાનના માથા પર પડ્યો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સૈફુલની ખોપરીના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ લોહીની નદીઓ વહી ગઈ હતી.

આ હુમલાએ સમગ્ર ઢાકા મેટ્રોપોલિટન પોલીસને દોડતી કરી દીધી છે. ડેપ્યુટી કમિશનર મસૂદ આલમે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે હુમલાખોરોએ ફ્લાયઓવરની ઊંચાઈનો ઉપયોગ કરીને ભીડવાળા વિસ્તારને નિશાન બનાવ્યો હતો. જે સ્થળે આ બોમ્બ બ્લાસ્ટ થયો તેની નજીકમાં જ બે મોટા ચર્ચ આવેલા હોવાથી આ હુમલા પાછળ કોઈ ચોક્કસ ધાર્મિક કે રાજકીય ષડયંત્ર હોવાની આશંકા સેવાઈ રહી છે. સૈફુલ, જે નજીકની જ એક ઓટોમોબાઈલ દુકાનમાં કામ કરતો હતો, તે માત્ર ચા પીવા કે ખરીદી કરવા નીકળ્યો હતો અને પલભરમાં જ રાજકીય અસ્થિરતાનો ભોગ બની ગયો. હાલમાં પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને સીસીટીવી ફૂટેજના આધારે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

બાંગ્લાદેશમાં આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 15 વર્ષના લાંબા વનવાસ બાદ લંડનથી પરત ફર્યાના માત્ર એક જ દિવસમાં આ હિંસા ભભૂકી ઉઠી છે. જમાત-એ-ઈસ્લામી સહિતના સંગઠનોએ આ ઘટનાને દેશને અસ્થિર કરવાનું કાવતરું ગણાવ્યું છે. તહેવારના સમયે જ થયેલા આ હુમલાથી ખ્રિસ્તી સમુદાય અને સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એક તરફ તારિક રહેમાનનું આગમન અને બીજી તરફ આતંકી શૈલીમાં થયેલો આ હુમલો બાંગ્લાદેશના આગામી દિવસો વધુ તોફાની બનશે તેવા સંકેતો આપી રહ્યો છે.

(10:34 PM IST)