<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

પ્રેમનો એકરાર કે અપરાધ? છત્તીસગઢ હાઈકોર્ટનો સપાટો: "છોકરીનો હાથ પકડી 'I Love You' કહેવું એ તેની ગરિમા પર હુમલો"

વેબસ્ટર અને ઓક્સફોર્ડ ડિક્શનરીના હવાલા આપી કોર્ટે 'સ્ત્રીની નમ્રતા' સમજાવી: રોમિયોગીરી કરનારાઓ માટે લાલબત્તી સમાન ચુકાદો : POCSO હટાવ્યો પણ જેલની સજા યથાવત રાખી

બિલાસપુર: પ્રેમનો એકરાર કરવાની આધુનિક અને ઉદ્ધત ગણાતી રીતો પર છત્તીસગઢ હાઈકોર્ટે કાયદાકીય હથોડો ચલાવ્યો છે. એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ મહિલાની સંમતિ વિના તેનો હાથ પકડવો, તેને પોતાની તરફ ખેંચવી અને 'હું તને પ્રેમ કરું છું' કહેવું એ માત્ર પ્રણયનો એકરાર નથી, પરંતુ સ્ત્રીની ગરિમા અને તેના ગૌરવનું સીધું અપમાન છે. ન્યાયાધીશ નરેશ કુમાર ચંદ્રવંશીએ અવલોકન કર્યું હતું કે, ખાસ કરીને ભારતીય ગ્રામીણ સમાજમાં જ્યાં સામાજિક સંવેદનશીલતા ઊંચી છે, ત્યાં આવું વર્તન કોઈપણ યુવતી માટે અસ્વીકાર્ય અને આઘાતજનક છે. આ ચુકાદાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે 'લવ' ના નામે કરવામાં આવતી જબદસ્તી કાયદાની નજરમાં ગંભીર અપરાધ છે.

આ કેસની વિગત મુજબ, એક 19 વર્ષીય યુવકે શાળાએથી પરત ફરી રહેલી કિશોરીનો હાથ પકડીને તેને ખેંચી હતી, જેનાથી ગભરાઈ ગયેલી યુવતીએ મંદિરમાં છુપાઈને જીવ બચાવવો પડ્યો હતો. જોકે, હાઈકોર્ટે પીડિતા સગીર હોવાના નક્કર પુરાવાના અભાવે POCSO એક્ટ હેઠળની સજા રદ કરી હતી, પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ 354 (સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી હુમલો) હેઠળ તેને દોષિત ઠેરવ્યો હતો. આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે માત્ર 'આઈ લવ યુ' કહેવું એ જાતીય ગુનો નથી, પરંતુ કોર્ટે આ દલીલ ફગાવી દેતા જણાવ્યું હતું કે, સ્ત્રીની 'મોડેસ્ટી' એટલે કે નમ્રતા અને શિષ્ટાચાર પર થતો કોઈ પણ પ્રહાર કાયદાકીય સજાને પાત્ર છે.

કોર્ટે આ કેસમાં નમ્રતાની વ્યાખ્યા કરવા માટે ઓક્સફોર્ડ અને વેબસ્ટર ડિક્શનરી તેમજ સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓનો આશરો લીધો હતો. કોર્ટે માન્યું કે આરોપી યુવાન છે અને તેણે હાથ પકડવા સિવાય અન્ય કોઈ બિભત્સ કૃત્ય નથી કર્યું, તેથી તેની ત્રણ વર્ષની સજા ઘટાડીને એક વર્ષની જેલ કરી દેવામાં આવી છે. તેમ છતાં, જામીન પર રહેલા આરોપીને તાત્કાલિક શરણાગતિ સ્વીકારવા આદેશ આપીને કોર્ટે સમાજમાં એક મજબૂત સંદેશ મોકલ્યો છે કે રસ્તા પર ચાલતી દીકરીઓની છેડતીને 'સામાન્ય ઘટના' ગણીને અવગણી શકાય નહીં.

(10:35 PM IST)