યુપીમાં હૃદયને હચમચાવતી ઘટના: કાળ બનીને ત્રાટકી માલગાડી: રેલવે ટ્રેક ઓળંગતા એક જ પરિવારના 5 સભ્યોના કરૂણ મોત
તેજ ગતિએ આવતી ટ્રેને બાઈકને ફંગોળતા આખું ગામ હિબકે ચઢ્યું: આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર પાંચેય વ્યક્તિઓ હવામાં ફંગોળાયા

શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક હૃદયદ્રાવક રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક હસતો-રમતો પરિવાર પળવારમાં જ વેરવિખેર થઈ ગયો છે. રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંકા ગામના રહેવાસી હરિઓમ સૈની પોતાના સાળા, ભાભી અને બે માસૂમ બાળકો સાથે બજારથી ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા. રોઝા પાવર કેબિન પાસે જ્યારે તેઓ બાઈક પર રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા, ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવેલી માલગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર પાંચેય વ્યક્તિઓ હવામાં ફંગોળાયા હતા અને ટ્રેન નીચે કચડાઈ જવાથી તમામના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
અકસ્માતનો મંજર એટલો ભયાનક હતો કે જોનારા લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. મૃતકોમાં 4 વર્ષની નિધિ અને માત્ર 2 વર્ષના સૂર્યાનો પણ સમાવેશ થાય છે, જેમના માસૂમ દેહ ટ્રેકની આસપાસ વિખરાયેલા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પાંચેય મૃતદેહોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ આ ઘટના અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત પાટા ઓળંગવામાં થયેલી બેદરકારીને કારણે સર્જાયો હોવાનું જણાય છે. રેલવે ક્રોસિંગ સિવાયના બિનઅધિકૃત માર્ગેથી ટ્રેક ઓળંગવો જીવલેણ સાબિત થયો છે. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે શું માલગાડીની સ્પીડ મર્યાદા કરતા વધુ હતી અથવા બાઈક સવાર ટ્રેનને જોઈ શક્યા નહોતા. આ ઘટનાએ ફરી એકવાર રેલવે ટ્રેક પર થતી બેદરકારી અને સલામતીના નિયમોના ભંગ સામે લાલબત્તી ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
