<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

મુંબઈના આકાશમાં નવી ઉડાન: નવી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યું પ્રથમ વિમાન, આખું રનવે 'વોટર સલામી'થી ભીંજાઈ ગયું!

ગૌતમ અદાણીએ કર્યું મુસાફરોનું ભવ્ય સ્વાગત: ઇન્ડિગોની ફ્લાઈટ સાથે NMIA પર કોમર્શિયલ ઓપરેશનનો ઐતિહાસિક પ્રારંભ

નવી મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના ઉડ્ડયન ઇતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાયો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) આજથી સત્તાવાર રીતે મુસાફરો માટે ખુલ્લું મુકાયું છે. સવારે ઠીક 8 વાગ્યે જ્યારે બેંગલુરુથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E460 એ નવી મુંબઈની ધરતી પર પ્રથમ લેન્ડિંગ કર્યું, ત્યારે આખું વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું. આ ખાસ અવસરે વિમાનને રનવે પર બે મોટા ફાયર ફાઇટીંગ વાહનો દ્વારા પરંપરાગત 'વોટર કેનન સલામી' આપીને વધાવવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પોતે એરપોર્ટ પર હાજર રહ્યા હતા. તેમણે ફ્લાઈટમાંથી ઉતરેલા પ્રથમ મુસાફરોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તેમની સાથે સેલ્ફી લીધી અને ઓટોગ્રાફ પણ આપ્યા. મુસાફરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો; એક પ્રવાસી તો હાથમાં વિશાળ પ્રતીકાત્મક બોર્ડિંગ પાસ લઈને ઉતર્યો હતો, જે આ ક્ષણની યાદગીરી બની ગયો હતો. પ્રથમ દિવસે ઇન્ડિગો ઉપરાંત એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્ટાર એર જેવી કંપનીઓની 15 ફ્લાઇટ્સ દેશના 9 વિવિધ શહેરો સાથે નવી મુંબઈને જોડશે.
₹19,650 કરોડના ખર્ચે તૈયાર થયો પ્રથમ તબક્કો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 8 ઓક્ટોબરે આ અત્યાધુનિક એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે 1,160 હેક્ટરમાં ફેલાયેલા આ એરપોર્ટનો પ્રથમ તબક્કો અંદાજે ₹19,650 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જે વાર્ષિક 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં એરપોર્ટ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે, પરંતુ ફેબ્રુઆરી 2026 થી તેને 24 કલાક ધમધમતું કરવાની યોજના છે.
અદાણી ગ્રુપ 74% હિસ્સા સાથે આ મેગા પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે. જ્યારે આ એરપોર્ટના પાંચેય તબક્કા પૂર્ણ થશે, ત્યારે તે વાર્ષિક 9 કરોડ મુસાફરોની ક્ષમતા સાથે ભારતનું સૌથી મોટું ઉડ્ડયન હબ બની જશે. મુંબઈના મુખ્ય એરપોર્ટ પર વધતા જતા ટ્રાફિકના ભારણને ઓછું કરવા માટે આ એરપોર્ટ ગેમ-ચેન્જર સાબિત થશે.

(5:45 PM IST)