હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહામના માલવિયાજીની ખુમારી: જ્યારે હૈદરાબાદના નિઝામે અભિમાનમાં જૂતું ફેંક્યું, ત્યારે તે જ જૂતાની હરાજી કરી માલવિયાજીએ ઊભી કરી એશિયાની સૌથી મોટી યુનિવર્સિટી!
ભારત રત્ન મદન મોહન માલવિયાની 164મી જન્મજયંતિ: 156 લોકોને ફાંસીના માંચડેથી બચાવનાર એ 'જાદુગર' વકીલની ગાથા, જેમણે ભીખ માંગીને દેશને આપ્યું વિદ્યાનું મંદિર

વારાણસી, તા. 25 : આજે ભારત રત્ન પંડિત મદન મોહન માલવિયાની જન્મજયંતિ છે. ઇતિહાસના પાનાઓમાં એક કિસ્સો સુવર્ણ અક્ષરે નોંધાયેલો છે જે માલવિયાજીના આત્મસન્માન અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની સાક્ષી પૂરે છે. કાશીમાં હિન્દુ યુનિવર્સિટી (BHU) બનાવવા માટે જ્યારે માલવિયાજી ફાળો ઉઘરાવવા હૈદરાબાદના નિઝામ પાસે પહોંચ્યા, ત્યારે અહંકારી નિઝામે દાન આપવાની મનાઈ કરી અને ગુસ્સામાં પોતાનું જૂનું જૂતું માલવિયાજી તરફ ફેંક્યું. કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો તે આ અપમાનથી ભાંગી પડત, પણ માલવિયાજીએ તે જૂતું ઉપાડી સીધું બજારમાં જઈ હરાજી શરૂ કરી દીધી.
બજારમાં માલવિયાજીએ ઢોલ વગાડીને જાહેરાત કરી કે, "નિઝામના શાહી જૂતાની હરાજી થઈ રહી છે!" આ સમાચાર વાયુવેગે નિઝામ સુધી પહોંચ્યા. પોતાની આબરૂ બજારમાં હરાજી થતી જોઈ નિઝામ ગભરાઈ ગયો અને પોતાના જ માણસો મોકલી તે જૂતું પાછું મેળવવા લાખો રૂપિયા ચૂકવ્યા. આ જ રકમથી BHU ના નિર્માણમાં મોટું બળ મળ્યું. આ જ કારણ હતું કે મહાત્મા ગાંધી તેમને આદરપૂર્વક 'ભિખારીઓના રાજકુમાર' કહેતા હતા.
કોર્ટના 'જાદુગર' વકીલ જેમણે 156 લોકોના જીવ બચાવ્યા
માલવિયાજી માત્ર શિક્ષણવિદ જ નહીં, પણ દેશના સૌથી તેજસ્વી વકીલ પણ હતા. ચૌરી-ચૌરા કાંડમાં જ્યારે અંગ્રેજોએ 170 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, ત્યારે આખા દેશમાં માતમ છવાઈ ગયો હતો. તે સમયે માલવિયાજીએ કોર્ટમાં એવી દલીલો રજૂ કરી કે જજ પણ દંગ રહી ગયા અને તેમણે 170 માંથી 156 લોકોને ફાંસીના માંચડેથી બચાવી લીધા. તેમનું વિઝન એટલું સ્પષ્ટ હતું કે તેઓ ભારતને એવું શિક્ષણ આપવા માંગતા હતા જ્યાં વેદ અને આધુનિક વિજ્ઞાનનો સંગમ હોય.
'સત્યમેવ જયતે' ને રાષ્ટ્રીય સૂત્ર બનાવનાર મહાપુરુષ
આજે જે ગર્વથી આપણે 'સત્યમેવ જયતે' બોલીએ છીએ, તેને રાષ્ટ્રીય ઓળખ અપાવવાનો શ્રેય માલવિયાજીને જાય છે. તેમણે મુંડક ઉપનિષદમાંથી આ મંત્ર લીધો અને તેને જન-જન સુધી પહોંચાડ્યો. ગંગા નદીની નિર્મળતા માટે 'ગંગા મહાસભા' બનાવવી હોય કે દલિતોને સામાજિક મુખ્ય પ્રવાહમાં લાવવાનું કાર્ય, માલવિયાજીએ હંમેશા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખ્યું. 2014માં ભારત સરકારે તેમને મરણોત્તર 'ભારત રત્ન' આપીને તેમના અમર બલિદાનને વંદન કર્યા હતા. 1300 એકરમાં ફેલાયેલું BHU આજે પણ તેમની અખંડ મહેનતની સુગંધ પ્રસરાવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
