<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

તહેવારોમાં 'ફૂડ ડિલિવરી' પર ગ્રહણ: નાતાલ અને નવા વર્ષે સ્વિગી-ઝોમેટોના પૈડાં થંભી જશે!

દેશભરના ગિગ વર્કર્સ વિરોધ કરશે : ૧૦ મિનિટની ડિલિવરીના દબાણ અને ઘટતી કમાણી સામે ૨૫ અને ૩૧ ડિસેમ્બરે મહાહડતાળની જાહેરાત: ન્યૂ યર પાર્ટી અને ક્રિસમસ ડિનરના પ્લાન ખોરવાય તેવી પૂરેપૂરી શક્યતા.

બેંગલુરુ: જ્યારે આખું વિશ્વ નાતાલ અને ૨૦૨૬ના આગમનની ઉજવણીમાં ડૂબેલું હશે, ત્યારે તમારા ઘર સુધી ગરમાગરમ ભોજન પહોંચાડનારા લાખો ડિલિવરી બોય્ઝ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) અને IFAT દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાને સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે. આ હડતાળ માત્ર પગાર વધારા માટે નથી, પરંતુ 'જીવના જોખમે' કરાતી ૧૦ મિનિટની ડિલિવરી સર્વિસ સામેનો રોષ છે. કામદારોનો આરોપ છે કે કંપનીઓના અલ્ગોરિધમ તેમને મશીનની જેમ દોડાવે છે, જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે છતાં સામાજિક સુરક્ષાના નામે માત્ર પોકળ વાયદા જ મળે છે.

આ હડતાળની અસર માત્ર મેટ્રો શહેરો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં પણ ઓનલાઇન ઓર્ડર કરનારા ગ્રાહકોને 'સર્વિસ અનએવેલેબલ' ના બોર્ડ જોવા મળી શકે છે. યુનિયનોની મુખ્ય માંગણીઓમાં પારદર્શક પેમેન્ટ સિસ્ટમ, અકસ્માત વીમો અને વગર વિચારે બ્લોક કરી દેવામાં આવતી આઈડી (ID) ને ફરી શરૂ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તહેવારોના દિવસોમાં જ્યારે ઓર્ડરનો ગ્રાફ પીક પર હોય છે, ત્યારે જ હડતાળ પાડીને ગિગ કામદારોએ કંપનીઓની નબળી કડી પર પ્રહાર કર્યો છે. ડિલિવરી પાર્ટનર્સનું કહેવું છે કે તહેવારોમાં કંપનીઓ કરોડોનો નફો કરે છે, પણ જે પરસેવો પાડે છે તેમના ખિસ્સા ખાલી જ રહે છે.

સરકાર દ્વારા ગિગ કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળ જેવી યોજનાઓની વાતો તો થઈ છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ હજુ પણ ગંભીર છે. લઘુત્તમ વેતન અને કામના કલાકોની કોઈ મર્યાદા ન હોવાથી આ ક્ષેત્રમાં કામ કરતા યુવાનોનું શોષણ થઈ રહ્યું હોવાની લાગણી પ્રબળ બની છે. જો ૨૫ ડિસેમ્બરે આ હડતાળ સફળ રહેશે, તો ૩૧ ડિસેમ્બરની રાત્રે ઓનલાઇન ખાવાનું મંગાવનારા લાખો લોકોએ ભૂખ્યા રહેવું પડે અથવા જાતે હોટલ સુધી લાંબા થવું પડે તેવી સ્થિતિ સર્જાશે. કંપનીઓ અત્યારે મધ્યસ્થીના રસ્તા શોધી રહી છે, પરંતુ કામદારો આ વખતે 'આર કે પાર' ની લડાઈ લડવાના મૂડમાં જણાય છે.

(7:40 PM IST)