<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ઓડિશામાં સુરક્ષા દળોનો પ્રચંડ પ્રહાર: 1.1 કરોડનું ઇનામ ધરાવતો મોસ્ટ વોન્ટેડ ગણેશ ઉઇકે ઠાર, 'લાલ આતંક' વિરુદ્ધના ઓપરેશનમાં 6 માઓવાદીઓનો સફાયો!

કંધમાલના ગુમ્મા જંગલોમાં ખેલાયો લોહિયાળ જંગ: બે મહિલા નક્સલીઓ સહિત છના મોત, DGP વાય.બી. ખુરાનાનો હુંકાર- 'માર્ચ 2026 સુધીમાં ઓડિશા થશે નક્સલ મુક્ત'

ભુવનેશ્વર :ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા હાંસલ કરી છે. બુધવારે મોડી રાત્રે બેલઘર પોલીસ સ્ટેશન હેઠળના ગુમ્મા જંગલોમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે થયેલા ભીષણ એન્કાઉન્ટરમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનની સૌથી મોટી સફળતા એ છે કે, આમાં ઓડિશાના ટોચના માઓવાદી નેતા ગણેશ ઉઇકેનો પણ ખાતમો થયો છે, જેના પર સરકાર દ્વારા ₹1.1 કરોડનું માતબર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓડિશા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની એક ટુકડીને બાતમી મળી હતી કે જંગલના ગાઢ વિસ્તારોમાં નક્સલીઓ છુપાયા છે. જ્યારે SOG ની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે માઓવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ કડક વળતો પ્રહાર કર્યો હતો. સવાર થતા જ જંગલમાંથી બે મહિલાઓ સહિત છ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી અત્યાધુનિક રિવોલ્વર, .303 રાઇફલ અને વોકી-ટોકી સેટ જેવા શસ્ત્રો પણ મળી આવ્યા છે.
નક્સલ મુક્ત ઓડિશા માટે ડેડલાઇન નક્કી: આ ભવ્ય સફળતા બાદ ઓડિશાના પોલીસ મહાનિર્દેશક (DGP) વાય.બી. ખુરાનાએ કડક નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું કે, ઓડિશા પોલીસે રાજ્યમાંથી માઓવાદી પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે માર્ચ 2026નું લક્ષ્ય નક્કી કર્યું છે. ડીજીપીએ ઉમેર્યું હતું કે, "અમે નક્સલીઓને મુખ્યધારામાં લાવવા માટે શ્રેષ્ઠ શરણાગતિ નીતિ ચલાવી રહ્યા છીએ, પરંતુ જેઓ હિંસાનો માર્ગ નહીં છોડે, તેમને આ જ રીતે જડબાતોડ જવાબ આપવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે, આ એન્કાઉન્ટરના એક દિવસ પહેલા જ મલકાનગિરી જિલ્લામાં 22 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. એક તરફ નક્સલીઓ શરણે આવી રહ્યા છે અને બીજી તરફ ગણેશ ઉઇકે જેવા ટોચના નેતાના મોતથી નક્સલી સંગઠનોની કમર તૂટી ગઈ છે. હાલમાં ગુમ્માના જંગલોમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું છે જેથી બાકી રહેલા નક્સલીઓને પણ પકડી શકાય

(8:37 PM IST)