<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

બાંગ્લાદેશની ભારત સામે આંખ લાલ, પણ અર્થતંત્ર વેન્ટિલેટર પર: જો ભારત 'એક બટન' દબાવશે તો પાડોશી દેશમાં સર્જાશે અંધારપટ અને ભૂખમરો!

દેવાના ડુંગર નીચે દબાયેલા બાંગ્લાદેશનું આક્રમક વલણ આત્મઘાતી: 17% વીજળી અને રોજીંદો ખોરાક ભારત પૂરો પાડે છે, ટેકો પાછો ખેંચાતા જ કાપડ ઉદ્યોગ સહિતની આખી ઇકોનોમી પત્તાના મહેલની જેમ તૂટી પડશે

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. 104 અબજ ડોલરથી વધુના દેવા હેઠળ દબાયેલું બાંગ્લાદેશ અત્યારે આર્થિક રીતે વિનાશના આરે છે. જે દેશને ભારતે શસ્ત્રો ઉઠાવીને આઝાદી અપાવી હતી, તે જ દેશ આજે ભારતને ધમકીઓ આપી રહ્યો છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત ઈચ્છે તો શસ્ત્રો વગર, માત્ર આર્થિક 'બટન' દબાવીને બાંગ્લાદેશની રમતનો અંત લાવી શકે છે. બાંગ્લાદેશની જીવનરેખા ગણાતી વીજળીથી લઈને રોજીંદા ભોજન સુધીની ચીજો માટે તે ભારત પર નિર્ભર છે.
બાંગ્લાદેશના કુલ વીજ પુરવઠામાં ભારતનો હિસ્સો 17 ટકા છે. ભારતની ખાનગી કંપનીઓ દરરોજ 1500 મેગાવોટ વીજળી ત્યાં મોકલે છે. જો ભારત માત્ર એક સ્વીચ બંધ કરી દે, તો આખું બાંગ્લાદેશ અંધકારમાં ડૂબી જશે અને તેની ફેક્ટરીઓના પૈડાં થંભી જશે. એટલું જ નહીં, બાંગ્લાદેશીઓની થાળીમાં પીરસાતા ઘઉં, ચોખા, દાળ, ડુંગળી અને બટાકા જેવી પાયાની જરૂરિયાતો ભારતથી સસ્તા ભાવે પહોંચે છે. જો આ પુરવઠો અટકે, તો ત્યાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થશે કે સામાન્ય જનતા માટે જીવવું મુશ્કેલ બની જશે.
 બાંગ્લાદેશનું અર્થતંત્ર તેના ગારમેન્ટ (કાપડ) ઉદ્યોગ પર ટકેલું છે, જે GDPમાં 11% હિસ્સો ધરાવે છે. આ ઉદ્યોગ માટે જરૂરી 35% કપાસ અને શણ ભારત પૂરો પાડે છે. જો ભારત કપાસની નિકાસ બંધ કરી દે, તો બાંગ્લાદેશનો સૌથી મોટો ઉદ્યોગ કડડભૂસ થઈ જશે. છેલ્લા ચાર મહિનામાં જ બાંગ્લાદેશને 2 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ ચૂક્યું છે. ચીન કે અમેરિકા પાસેથી માલ મંગાવવો બાંગ્લાદેશને પરવડે તેમ નથી કારણ કે ભારત જે કિંમતે અને જે ઝડપે માલ પહોંચાડે છે તેની સરખામણી કોઈ કરી શકે તેમ નથી.
 કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર હર્ષ પંતના મતે, જે દેશની 94% સરહદ ભારત સાથે જોડાયેલી હોય તે ભારત સાથે દુશ્મની કરીને લાંબો સમય ટકી ન શકે. વિઝા સેવાઓ સ્થગિત કરવી કે હિન્દુઓ પર હિંસા કરવી એ બાંગ્લાદેશ માટે પોતે જ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે. ભારત અત્યાર સુધી મોટા ભાઈની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ જો પરિસ્થિતિ હદ વટાવશે, તો ભારત પાસે એવા અનેક આર્થિક હથિયારો છે જે બાંગ્લાદેશને ઘૂંટણિયે લાવી શકે છે

(9:18 PM IST)