હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળના રણમેદાનમાં હવે 'ચાણક્ય'ની એન્ટ્રી: પીએમ મોદી બાદ અમિતભાઈ શાહ કોલકાતા ગજવશે, મમતાના ગઢમાં ગાબડું પાડવા ઘડાશે માસ્ટર પ્લાન!
29 ડિસેમ્બરથી બે દિવસીય પ્રવાસ: 1500 બાઈકોની ભવ્ય રેલી સાથે થશે ગૃહમંત્રીનું સ્વાગત, મતદાર યાદીમાં ગરબડ અને સંગઠનની નબળાઈઓ દૂર કરવા યોજાશે મેરેથોન બેઠકો

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના ગણતરીના દિવસો બાદ હવે ભાજપના 'ચાણક્ય' ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી 29 ડિસેમ્બરે બે દિવસ માટે કોલકાતા પહોંચી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે શાહની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવે છે. તેઓ 30 અને 31 ડિસેમ્બર દરમિયાન ભાજપના ટોચના નેતાઓ સાથે બંધ બારણે બેઠકો યોજીને મમતા બેનર્જીને હરાવવાની રણનીતિને આખરી ઓપ આપશે.
અમિતભાઈ શાહનો આ પ્રવાસ ખાસ કરીને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ થઈ રહ્યો છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ યાદીમાંથી માટુઆ સમુદાય સહિતના અનેક હિન્દુ મતોના નામ કમી થયા હોવાની ફરિયાદો ઉઠી છે. અમિતભાઈ શાહ આ ગંભીર મુદ્દે રિવ્યુ કરશે અને કાર્યકરોને આદેશ આપશે કે એક પણ સાચો મતદાર યાદીમાંથી બહાર ન રહી જાય. આ મુલાકાત સંગઠનાત્મક તાકાત માપવા અને જનતાની નાડ પારખવા માટેનો મોટો પ્રયાસ છે.
આ વખતે અમિતભાઈ શાહના સ્વાગત માટે બંગાળ ભાજપે કંઈક અલગ જ આયોજન કર્યું છે. કોલકાતા, હાવડા, હુગલી અને 24 પરગણા જેવા 10 સંગઠનાત્મક જિલ્લાઓના કાર્યકરો આશરે 1,500 બાઈકોની એક વિશાળ રેલી કાઢશે. શાહના કાફલા સાથે બાઈક રેલી યોજાય તેવું બંગાળના ઇતિહાસમાં પ્રથમવાર બનશે. આ રેલી દ્વારા ભાજપ પોતાની જમીની તાકાતનું પ્રદર્શન કરીને તૃણમૂલ કોંગ્રેસને પડકાર ફેંકશે.
બીજી તરફ, અમિતભાઈ શાહના પ્રવાસ પર મમતા સરકારના મંત્રી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે આકરો કટાક્ષ કર્યો છે. તેમણે જૂની યાદો તાજી કરતા કહ્યું કે, "છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ વારંવાર આવતા હતા અને 200થી વધુ બેઠકો જીતવાનો દાવો કરતા હતા, પણ પરિણામ શું આવ્યું તે આખા દેશે જોયું છે." જોકે, ભાજપ આ વખતે કોઈ કસર છોડવા માંગતું નથી અને શાહની આ મુલાકાતથી બંગાળના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી શક્યતા છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
