<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

સોના કરતા ચાંદીની ચમક વધુ તેજ: વેદાંતના અનિલ અગ્રવાલે કરી મોટી ભવિષ્યવાણી - "હવે ચાંદી સોનાના પડછાયામાંથી બહાર આવી ગઈ છે!"

ચાંદીમાં વર્ષ દરમિયાન 125% નો તોતિંગ ઉછાળો: સોલર પેનલથી લઈ સંરક્ષણ ક્ષેત્રે વધતી માંગને કારણે ભાવમાં આવશે 'સુનામી', હિન્દુસ્તાન ઝિંકનો નફો રોકેટ ગતિએ વધ્યો

મુંબઈ : શેરબજારમાં અત્યારે ધાતુના સેક્ટરમાં હલચલ મચી ગઈ છે. વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે ચાંદીના ભાવિ અંગે અત્યંત ઉત્સાહજનક નિવેદન આપીને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં અગ્રવાલે જણાવ્યું હતું કે ચાંદી હવે માત્ર એક ઘરેણું કે કિંમતી ધાતુ નથી રહી, પરંતુ તે ટેકનોલોજી આધારિત ઉદ્યોગો માટે અનિવાર્ય બની ગઈ છે. તેમના મતે, ચાંદી હવે લાંબા ગાળાના માળખાકીય 'અપસાઇકલ'માં પ્રવેશી ચૂકી છે, જેનો અર્થ છે કે આગામી સમયમાં તેની કિંમતો નવી ઊંચાઈઓ સર કરી શકે છે.
અનિલ અગ્રવાલે સમજાવ્યું કે સૌર ઉર્જાથી લઈને સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનમાં ચાંદીનો ઉપયોગ અનિવાર્ય છે. આ વર્ષે રોકાણના વળતરની દ્રષ્ટિએ ચાંદીએ સોનાને પણ પાછળ છોડી દીધું છે. જ્યાં ડોલરના સંદર્ભમાં સોનામાં 63% નો વધારો જોવા મળ્યો છે, તેની સામે ચાંદીમાં આશરે 125% નો જંગી ઉછાળો નોંધાયો છે. અગ્રવાલે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, "કિંમતોમાં વધઘટ ભલે આવે, પરંતુ ચાંદીની અસાધારણ ચમક કાયમ રહેશે."
: ચાંદીની આ તેજીનો સીધો ફાયદો વેદાંત ગ્રુપની કંપની હિન્દુસ્તાન ઝિંકને મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન ઝિંક ભારતની એકમાત્ર ચાંદી ઉત્પાદક કંપની છે. સપ્ટેમ્બર 2025 ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ ₹2,649 કરોડનો નફો કર્યો છે, જેમાં ચાંદીનો હિસ્સો અધધ 40% (આશરે ₹1,060 કરોડ) રહ્યો છે. ઝીંક અને સીસાના ખાણકામ દરમિયાન ઉપ-પેદાશ તરીકે મળતી ચાંદી હવે કંપની માટે મુખ્ય કમાણીનું સાધન બની ગઈ છે.
ચાંદીની આ તેજી પાછળ માત્ર રોકાણ નહીં પણ ઉદ્યોગોની માંગ જવાબદાર છે. સેમીકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ગ્રીન એનર્જીમાં ચાંદીનો જે રીતે વપરાશ વધી રહ્યો છે તે જોતા માર્કેટ નિષ્ણાતો પણ અગ્રવાલની વાત સાથે સહમત છે. વેદાંતના શેરમાં આ તેજીની અસર જોવા મળી રહી છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે સારા સંકેત માનવામાં આવે છે

(9:22 PM IST)