<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

બાંગ્લાદેશમાં ૧૭ વર્ષ પછી તારિક રહેમાનની એન્ટ્રીથી ખળભળાટ: જમાત-એ-ઇસ્લામીની ખુલ્લી ધમકી, શું ભારત સાથેના સંબંધોમાં આવશે નવો વળાંક?

“ભારતની શરતો સ્વીકારી પિતા સાથે દગો કર્યો”: પાકિસ્તાન તરફી સંગઠનોએ BNP નેતાને નિશાન બનાવ્યા, ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા ઢાકામાં લોહિયાળ જંગના એંધાણ, જાણો ભારત માટે કેમ મહત્વના છે તારિક

ઢાકા: બાંગ્લાદેશના રાજકારણમાં ૧૭ વર્ષનો લાંબો વનવાસ ભોગવીને પરત ફરેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતા તારિક રહેમાનના આગમન સાથે જ પડોશી દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ઢાકા પહોંચ્યાના ગણતરીના કલાકોમાં જ તેમને જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટનાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ભવિષ્યના સંબંધો પર અનેક સવાલો ઉભા કર્યા છે.
 જમાત-એ-ઇસ્લામી સાથે સંકળાયેલા વકીલ શહરયાર કબીરે એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે તારિક રહેમાન "ભારતની શરતો સ્વીકારીને" દેશમાં પરત ફર્યા છે. કટ્ટરપંથીઓનું માનવું છે કે તારિકનું ભારત પ્રત્યેનું નરમ વલણ તેમના પિતા ઝિયાઉર રહેમાનના આદર્શો સાથે દગો છે. આ ધમકી પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારત વિરોધી સંગઠનો નથી ઈચ્છતા કે બાંગ્લાદેશમાં કોઈ એવી સરકાર આવે જે નવી દિલ્હી સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવે.
ઢાકા પહોંચ્યા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં તારિક રહેમાને સર્વધર્મ સંભાવની વાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું, "આ દેશ હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અને ખ્રિસ્તી - તમામનો છે. આપણે એવું સુરક્ષિત બાંગ્લાદેશ બનાવવું છે જેનું સ્વપ્ન દરેક માતા જુએ છે." ઉગ્રવાદને બદલે ઉદારવાદી અભિગમ અપનાવવાની તેમની આ વાતે જમાત જેવા સંગઠનોને ઉશ્કેર્યા છે, જેઓ દેશને કટ્ટરવાદના માર્ગે લઈ જવા માંગે છે.
૧૨ ફેબ્રુઆરીની ચૂંટણી અને ભારતની નજર: બાંગ્લાદેશમાં અવામી લીગ અત્યારે ચૂંટણી મેદાનની બહાર છે, ત્યારે ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી હવે BNP અને જમાત-એ-ઇસ્લામી વચ્ચેનો સીધો મુકાબલો બની ગઈ છે. જમાત ઈચ્છે છે કે ચૂંટણી મુલતવી રહે, જ્યારે તારિક રહેમાન જલ્દી ચૂંટણી યોજવા મક્કમ છે. ભારત માટે તારિક રહેમાન સાથે વ્યવહાર કરવો એ એક પડકાર હશે, કારણ કે તેઓ ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ ની નીતિમાં માને છે, પરંતુ જમાતની તુલનામાં તેઓ વધુ વ્યવહારુ નેતા સાબિત થઈ શકે છે.
: જો તારિક રહેમાન સત્તા પર આવે છે, તો ભારતને એવા નેતા સાથે કામ કરવું પડશે જે કટ્ટર ઉગ્રવાદને બદલે આર્થિક વિકાસ અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. ભારત વિરોધી શક્તિઓ તેમને નિશાન બનાવી રહી છે તે જ સાબિત કરે છે કે દક્ષિણ એશિયાની સ્થિરતા માટે તારિકનું સુરક્ષિત રહેવું અને લોકશાહી પ્રક્રિયામાં સામેલ થવું ભારત માટે કેટલું મહત્વનું છે

(8:56 PM IST)