<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

બિહારના રાજકારણમાં મોટો ધડાકો: તેજસ્વી યાદવ વિદેશમાં અને અહીં RJDમાં ‘બળવો’! બધા ૨૫ ધારાસભ્યો ભાજપમાં જોડાશે - મંત્રીનો સનસનીખેજ દાવો

“RJD હવે શૂન્ય પર આઉટ થશે, ધારાસભ્યો અમારા સંપર્કમાં છે”: કૃષિ મંત્રી રામકૃપાલ યાદવનો તેજસ્વી પર આકરો કટાક્ષ, બીજી તરફ લાલુ-તેજસ્વીનું સરકારી નિવાસસ્થાન ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ થતા ખળભળાટ

પટના :બિહારના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ વિદેશ પ્રવાસે છે, ત્યારે બીજી તરફ બિહાર સરકારના કૃષિ મંત્રી રામકૃપાલ યાદવે એક એવો દાવો કર્યો છે જેનાથી લાલુ પ્રસાદ યાદવની પાર્ટીમાં ભૂકંપ આવી ગયો છે. મંત્રીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના તમામ ૨૫ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે.
મંત્રી રામકૃપાલ યાદવે તેજસ્વી યાદવના વિદેશ પ્રવાસને હાર સાથે જોડતા કહ્યું કે, "તેજસ્વી જનતાનો સામનો કરી શકતા નથી, હાર સહન કરવાની શક્તિ તેમનામાં નથી, એટલે જ તેઓ શરમ ના મારે વિદેશ ભાગી ગયા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે RJD હવે અંત તરફ છે અને ટૂંક સમયમાં જ આખી પાર્ટી વિખેરાઈ જશે. "હું ગંભીરતાથી કહી રહ્યો છું કે તેમના ૨૫ એ ૨૫ ધારાસભ્યો અમારી સાથે આવવા તૈયાર છે," તેવું મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
મોડી રાત્રે શરૂ થઈ ખાલી કરવાની પ્રક્રિયા: રાજકીય ખેંચતાણની વચ્ચે પટનાના ૧૦ સર્ક્યુલર રોડ સ્થિત તેજસ્વી અને લાલુ યાદવના નિવાસસ્થાનને ખાલી કરાવવાની પ્રક્રિયા પણ મોડી રાત્રે શરૂ કરી દેવામાં આવી હતી. એક મહિના અગાઉ નોટિસ આપ્યા બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હવે ૩૯ હાર્ડિંગ રોડ પર નવો બંગલો ફાળવવામાં આવ્યો છે. જોકે, RJD ના નેતાઓ આ કાર્યવાહીને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે.
 "ભાજપ અસ્વસ્થ છે": મંત્રીના દાવા પર RJD પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપને મોટો જનાદેશ મળ્યો હોવા છતાં તેઓ અસ્વસ્થ છે. તેઓ લોકશાહીમાં વિપક્ષને ખતમ કરવા માંગે છે, પરંતુ જનતા બધું જોઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસે પણ કૃષિ મંત્રીને ઘેરતા કહ્યું કે, મંત્રીને ખેડૂતોની ચિંતા કરવાને બદલે પક્ષપલટામાં વધુ રસ છે.
 રાજકીય આક્ષેપબાજીની સાથે ખાતરના કાળાબજારનો મુદ્દો પણ ગાજ્યો હતો. મંત્રીએ RJD ને ‘ચોર’ ગણાવતા પડકાર ફેંક્યો કે જો તેમના પરના ભ્રષ્ટાચારના આરોપો સાબિત થાય તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખેડૂતોને પરેશાન કરનાર કોઈપણ અધિકારીને છોડવામાં આવશે નહીં અને અત્યાર સુધીમાં ૮૬ સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે.

(8:59 PM IST)