News of Friday, 26th December 2025
સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો: રાજશ્રી પાન મસાલા કેસમાં હવે ‘નકલી સહી’નો ગંભીર આક્ષેપ, કોટા કોર્ટે ભાઈજાનને રૂબરૂ હાજર થવા ફટકાર્યું સમન્સ!
કેસરના નામે ભ્રામક જાહેરાત અને સહીમાં ગરબડ: ૨૦ જાન્યુઆરીએ કોર્ટમાં આપવા પડશે સિગ્નેચરના નમૂના, શું સલમાન ખાન ફરી એકવાર રાજસ્થાનની કોર્ટના ચક્કરમાં ફસાયા?

કોટા : બોલિવૂડના ‘દબંગ’ સ્ટાર સલમાન ખાન અને રાજસ્થાનની કોર્ટ વચ્ચેનો વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કાળિયાર શિકાર કેસ બાદ હવે સલમાન ખાન પાન મસાલાની એક ભ્રામક જાહેરાતના મામલે કાયદાકીય કુંડાળામાં ફસાયા છે. કોટાની જિલ્લા ગ્રાહક અદાલતે સલમાન ખાનને આકરો આદેશ આપતા ૨૦ જાન્યુઆરીએ રૂબરૂ હાજર રહેવા અને પોતાની સહીના નમૂના આપવા સમન્સ પાઠવ્યું છે. આ કેસમાં હવે જાહેરાત કરતા ‘નકલી સહી’નો મુદ્દો વધુ ગરમાયો છે.
એડવોકેટ ઈન્દ્રમોહન સિંહ હનીએ સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ મુજબ, સલમાન ખાન જાહેરાતમાં દાવો કરે છે કે ₹5 ના પાઉચમાં ‘કેસર ભેળવેલી એલચી’ મળે છે. ફરિયાદીનો તર્ક છે કે જે કેસરની કિંમત પ્રતિ કિલો ₹4 લાખ હોય, તે ₹5 માં કેવી રીતે આપી શકાય? આ જાહેરાત યુવાનોને ગેરમાર્ગે દોરનારી અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સલમાન ખાન દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા જવાબ પરની સહી અંગે શંકા વ્યક્ત કરવામાં આવી. ફરિયાદીએ દાવો કર્યો છે કે સોગંદનામા પરની સહી સલમાન ખાનની અસલી સહી સાથે મેળ ખાતી નથી. આ સહીની સરખામણી જ્યારે જોધપુર જેલના રેકોર્ડ અને અન્ય કોર્ટ દસ્તાવેજો સાથે કરવામાં આવી ત્યારે તેમાં તફાવત જોવા મળ્યો હતો. પરિણામે, કોર્ટે હવે આ સહીની ફોરેન્સિક તપાસનો આદેશ આપ્યો છે.
બીજી તરફ, સલમાન ખાનના વકીલે આ તમામ આરોપોને નકાર્યા છે. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે અભિનેતાએ માત્ર ‘સિલ્વર કોટેડ એલચી’નો પ્રચાર કર્યો છે, કોઈ તમાકુ કે ગુટખાનો નહીં. વધુમાં, તેમણે એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે કોટા ગ્રાહક કોર્ટ પાસે આ કેસ ચલાવવાની સત્તા નથી અને આ બાબત સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવે છે.
કોટા ગ્રાહક અદાલતે હવે સ્પષ્ટ કર્યું છે કે ૨૦ જાન્યુઆરીએ સલમાન ખાને પોતે હાજર રહીને નમૂના તરીકે સહી કરવી પડશે, જેથી સત્ય સામે આવી શકે. જો સહી ખોટી સાબિત થશે, તો સલમાન ખાન માટે નવી મુસીબત ઊભી થઈ શકે છે. હરણ શિકાર કેસ બાદ સલમાન માટે રાજસ્થાનની ભૂમિ ફરી એકવાર કાયદાકીય જંગનું મેદાન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
