<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

પુત્ર ગુનેગાર હોય છતાં તેને ‘રાજા બેટા' ગણવો પુરુષપ્રધાન માનસિકતાઃ હાઇકોર્ટ

પાંચ વર્ષની બાળકી પર રેપ, હત્‍યાના દોષિત પુત્રને માતાએ ઘરમાં છૂપાવ્‍યો : પુરુષત્‍વનો અંત આવે ત્‍યાં સુધી ગુનેગારને કેદ રાખોઃ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ફાંસીની સજા ૩૦ વર્ષની જેલમાં ફેરવી : પુત્રને શરણ આપનારી માતાને હાઈકોર્ટે નિર્દોષ છોડતા કહ્યું માએ જે કૃત્‍ય કર્યુ તે સમાજમાં નવું નથી

ચંદીગઢ,તા.૨૭: પાંચ વર્ષની બાળકી પર રેપ અને હત્‍યાના કેસમાં સુનાવણી દરમિયાન પંજાબ-હરિયાણા હાઇકોર્ટ દ્વારા મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરાઈ હતી, હાઈકોર્ટે કહ્યું હતું કે પુત્ર ગમે એટલો મોટો ગુનેગાર કેમ ના હોય તેની માતા માટે તે હંમેશા રાજા બેટા જ હોય છે, આ માનસિકતા બદલવાની જરૂર છે, જો રાજા બેટા અપરાધી હોય તો માતાઓએ તેને સજા અપાવવામાં મદદ કરવી જોઈએ જેથી પીડિતાને ન્‍યાય મળી શકે.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્‍યાયાધીશ અનૂપ ચિટકારા અને સુખવિદર કૌર સમક્ષ પાંચ વર્ષની બાળકી પર બળાત્‍કાર અને બાદમાં તેની હત્‍યા કરી દેવાના કેસની સુનાવણી ચાલી રહી હતી, આ કેસમાં ફાંસીની સજા પામેલા આરોપી અને સાત વર્ષની કેદની સજા પામેલી તેની મા દ્વારા અપીલ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે ગુનેગાર જે વ્‍યક્‍તિને ત્‍યાં મંડપ લગાવવા વગેરેનું કામ કરતો હતો તેની જપાંચ વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને તેના પર ૨૦૧૮માં બળાત્‍કાર કર્યો, બાદમાં તેની હત્‍યા કરીને ઘરના એક કન્‍ટેનરમાં મૃતદેહ છૂપાવી દીધો.

ઘટના સમયે ગુનેગારની માતા ઘરે નહોતી, બાદમાં જ્‍યારે તેને પુત્રના આ જઘન્‍ય અપરાધની જાણ થઈ તો તેણે પોલીસને જાણકારી આપવા કે પીડિતાને મદદ કરવાના બદલે પુત્રને ઘરમાં છૂપાવી રાખવામાં મદદ કરી હતી. હાઈકોર્ટે નોંધ્‍યું હતું કે આ કેસમાં માતા દ્વારા પુત્રને છૂપાવવા જે પ્રયાસ થયો તે નવો નથી, સમાજમાં આ પ્રકારની પિતૃસત્તાક માનસિકતા અને સંસ્‍કૃતિ આજે પણ જોવા મળે છે. પુત્ર ગમે એવો ગુનેગાર હોય માતા માટે તો જાણે રાજા બેટા જ હોય છે. પરંતુ એક આદર્શ સમાજમાં આ પ્રકારની માનસિકતા યોગ્‍ય નથી, આવા કેસમાં માતાએ પોલીસને મદદ કરવી જોઈએ. બાદમાં જોકે આ મામલામાં હાઈકોર્ટે ફાંસીની સજાને ૩૦ વર્ષની કેદમાં ફેરવી નાખી અને સ્‍પષ્ટતા કરી કે ગુનેગારે જેલમાં રહેવુ પડશે તે પોતાનું પુરુષત્‍વ અસ્‍ત થવાની નજીક હોય. સાથે જ પીડિતાના પરિવારને ૩૦ લાખ રૂપિયા પણ આપવા પડશે. આ કેસમાં કોર્ટે માતાને છોડી મુકી હતી અને ના કહ્યું હતું કે તેણે જે કર્યું તે નવું નથી આ માનસિકતા પહેલાથી જ સમાજમાં છે.

(9:58 AM IST)