News of Saturday, 27th December 2025
અંતે થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સિઝફાયર પર ઐતિહાસિક કરાર
૨૦ દિવસના લોહિયાળ જંગ બાદ શાંતિ સ્થપાઈઃ સંરક્ષણ મંત્રીઓએ બેઠકમાં શસ્ત્રોના ઉપયોગ પર મુકયો પ્રતિબંધ

નવી દિલ્હી, તા.૨૭: વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસોમાં દક્ષિણ-પૂર્વ એશિયામાંથી રાહતના સમાચાર આવ્યા છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલી ભયાનક લડાઈનો આખરે અંત આવ્યો છે. બંને દેશોના સંરક્ષણ મંત્રીઓએ એક ટેબલ પર આવીને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. થાઈલેન્ડના ચાન્થાબુરી પ્રાંતમાં સરહદી ચોકી પર આયોજિત આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી બંને પક્ષો નાગરિકો, સૈન્ય લક્ષ્યો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે નહીં. આ કરારથી સરહદ પર વસેલા લાખો લોકોએ હાશકારો અનુભવ્યો છે.આ સંઘર્ષનો ઈતિહાસ ઘણો જૂનો અને વિવાદાસ્પદ છે. બંને દેશો વચ્ચે ૮૧૭ કિલોમીટર લાંબી સરહદ પર લાંબા સમયથી જમીની વિવાદ ચાલી રહ્યો છે. જુલાઈ ૨૦૨૫માં આ વિવાદે હિંસક વળાંક લીધો હતો, જેમાં ડઝનબંધ સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, મલેશિયા, ચીન અને અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ થયો હતો, પરંતુ કમનસીબે ૭ ડિસેમ્બરે તે ફરીથી તૂટી પડ્યો હતો. છેલ્લા ૨૦ દિવસમાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે અડધા મિલિયન (૫ લાખ) થી વધુ લોકોને પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગવાની ફરજ પડી હતી.
નવા કરાર મુજબ, થાઈલેન્ડ અને કંબોડિયા હાલ પૂરતું પોતાની લશ્કરી સ્થિતિમાં કોઈ ફેરફાર કરશે નહીં. થાઈ રક્ષામંત્રી નથાપોન નાકપાનિચ અને કંબોડિયાના ડેપ્યુટી પીએમ ટી સિયાએ સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર સૈનિકોની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં, જેથી તણાવ ફરીથી ન ભડકે. બંને દેશોએ સ્વીકાર્યું છે કે લશ્કરી મજબૂતીકરણ માત્ર લાંબા ગાળાના ઉકેલની શકયતાઓને નબળી પાડે છે. હવે પ્રાથમિકતા વિસ્થાપિત થયેલા ૫ લાખ લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત લાવવાની અને શાંતિપૂર્ણ રીતે સરહદી વિવાદ ઉકેલવાની રહેશે.
આ યુદ્ધવિરામ ભલે હસ્તાક્ષરિત થયો હોય, પરંતુ જમીની સ્તરે તેનો અમલ મોટો પડકાર છે. ભૂતકાળમાં પણ અનેકવાર સંધિઓ તૂટી છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે વિશ્વાસની મોટી ખાઈ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય સમુદાય આ નવી પહેલને આવકારી રહ્યો છે, કારણ કે આ પ્રદેશમાં સ્થિરતા રહેવી એ વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે અનિવાર્ય છે. ૨૦૨૬નું નવું વર્ષ આ બે પડોશીઓ માટે જૂની દુશ્મનાવટ ભૂલીને નવી શરૂઆત કરવાનું વચન લઈને આવ્યું છે, તેમ કહી શકાય.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
