News of Saturday, 27th December 2025
કોંગ્રેસ આર-પારના મુડમાં: CWC બેઠકમાં અનેક મહત્વના મુદ્દે મંથન
કેન્દ્ર સરકારને ઘેરવાનો માસ્ટરપ્લાન તૈયારઃ ‘જી-રામ-જી' કાયદાને કોંગ્રેસે ગરીબ વિરોધી ગણાવ્યોઃ અરવલ્લી મુદ્દે થશે ચર્ચા : દેશભરમાં પદયાત્રા, જનસભાઓની તૈયારીઃ સોનિયા-રાહુલ સહિતના દિગ્ગજો બેઠકમાં હાજર

નવી દિલ્હી, તા.૨૭: રાજધાની દિલ્હીમાં આજે કોંગ્રેસના હાઈકમાન્ડની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કેન્દ્ર સરકારના નવા ગ્રામીણ રોજગાર કાયદા સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવાની રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ CWC બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને શશી થરૂર જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. ચર્ચાનો મુખ્ય વિષય વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ મિશન (VB-G RAM-G) અધિનિયમ, ૨૦૨૫ હતો. કોંગ્રેસનો આરોપ છે કે આ નવો કાયદો વર્ષો જૂના અને ગરીબોના આશીર્વાદ સમાન મનરેગા ના અસ્તિત્વને ખતમ કરી નાખશે, જેના કારણે ગ્રામીણ મજૂરોની રોજીરોટી જોખમમાં મુકાશે.
બેઠકમાં રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, મનરેગાની મૂળભૂત ભાવના સાથે ચેડાં એ દેશના ગરીબોના અધિકારો પર સીધો હુમલો છે. આ કાયદાને જન વિરોધી ગણાવીને કોંગ્રેસે હવે માત્ર સંસદમાં જ નહીં, પણ રસ્તા પર ઉતરીને લડવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા દેશના ખૂણેખૂણે પદયાત્રાઓ, વિશાળ જાહેર સભાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં જાગળતિ અભિયાન ચલાવવામાં આવશે. પાર્ટી ૨૦૨૬માં આવનારી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રોજગારના મુદ્દે મોદી સરકારને ઘેરીને ગ્રામીણ મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે.
એક તરફ અંદર બેઠક ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ઇન્દિરા ભવનની બહાર ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિવિધ દલિત સંગઠનોના કાર્યકરોએ હાથમાં બેનરો લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનકારીઓની માંગ છે કે કર્ણાટકના વરિષ્ઠ દલિત નેતા જી. પરમેશ્વરને મુખ્યમંત્રી બનાવવામાં આવે. સામાજિક ન્યાયના નારા સાથે પ્રદર્શનકારીઓએ હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપ્યું છે કે જો દલિત નેતળત્વની અવગણના કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવશે. આંતરિક જૂથવાદ અને દલિત નેતળત્વની આ માંગે કોંગ્રેસ નેતળત્વ માટે નવી મુસીબત ઉભી કરી છે.
બેઠકમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ અને પર્યાવરણીય મુદ્દાઓ પર પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી. શશી થરૂરે આ મુદ્દે ટેકનિકલ પાસાઓ રજૂ કર્યા હતા. એકંદરે, આ CWC બેઠકે સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ હવે બેકફૂટ પર રહેવા માંગતી નથી. જી રામ-જી કાયદાના બહાને વિપક્ષ એક થઈને કેન્દ્ર સામે મોટું આંદોલન ઊભું કરવાના મૂડમાં છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ પદયાત્રા અને વિરોધ પ્રદર્શનો જનતાના મન જીતવામાં કેટલા સફળ રહે છે અને સરકાર આ આંદોલન સામે શું વલણ અપનાવે છે
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
