News of Saturday, 27th December 2025
૨ વર્ષમાં ૫ હજાર ડોકટર, ૧૧ હજાર એન્જીનિયર અને ૧૩ હજાર એકાઉન્ટન્ટે પાકિસ્તાનને કહ્યું અલવિદા!
ભૂતપૂર્વ પાકિસ્તાની સાંસદ દ્વારા કરવામા આવેલા દાવાઓ માટે મુનીરની આકરી નિંદા : પાક.ના બ્યુરોએ જાહેર કરાયેલા આંકડાઓએ નવો હોબાળોઃ મચાવ્યોઃ આર્મી ચીફના ‘બ્રેઈન ગ્રેઈન'ના દાવાની ઉડી મજાક

ઈસ્લામાબાદ, તા.૨૭: પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી કાળા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં માત્ર લોટ અને વીજળી જ નહીં, પણ હવે બુદ્ધિશાળી લોકોની પણ ભારે અછત સર્જાઈ રહી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ ઈમિગ્રેશનના તાજા ડેટાએ દેશના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. છેલ્લા ૨૪ મહિનામાં દેશની કરોડરજ્જુ ગણાતા ૫,૦૦૦ ડોકટરો, ૧૧,૦૦૦ ઈજનેરો અને ૧૩,૦૦૦ એકાઉન્ટન્ટ્સે પાકિસ્તાનને અલવિદા કહી દીધું છે. વર્ષ ૨૦૨૫માં નવેમ્બર સુધીમાં જ ૬.૮ લાખથી વધુ લોકોએ વિદેશમાં રોજગાર માટે બેગ પેક કરી લીધી છે. આ સ્થળાંતર હવે માત્ર મજૂરો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ઉચ્ચ શિક્ષિત વ્હાઇટ-કોલર વ્યાવસાયિકો હવે પાકિસ્તાનમાં પોતાનું કોઈ ભવિષ્ય જોઈ રહ્યા નથી.
આ ભયાનક સ્થિતિ વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના એક નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જ્યારે દેશના શ્રેષ્ઠ મગજ બહાર જઈ રહ્યા છે, ત્યારે જનરલ મુનીરે આ ગંભીર બ્રેઈન ડ્રેઈન (બૌદ્ધિક પલાયન) ને બદલે બ્રેઈન ગેઈન (બુદ્ધિનો ફાયદો) ગણાવ્યો હતો. આ નિવેદન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમની ભારે મજાક ઉડી રહી છે. યુઝર્સ કહી રહ્યા છે કે જે દેશમાં ડોકટરો અને એન્જિનિયરો રહેવા તૈયાર નથી, તેને ફાયદો ગણાવવો એ માનસિક નાદારીનું લક્ષણ છે. વિપક્ષી નેતાઓ અને સામાન્ય જનતા પૂછી રહ્યા છે કે જો બધી પ્રતિભા વિદેશ જતી રહેશે, તો પાકિસ્તાનને હોસ્પિટલ અને ઉદ્યોગોમાં કોણ સંભાળશે?
પાકિસ્તાનનું તબીબી ક્ષેત્ર અત્યારે વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ છે. ૨૦૧૧ થી ૨૦૨૪ દરમિયાન નર્સોના સ્થળાંતરના દરમાં અધધ ૨,૧૪૪ ટકાનો આヘર્યજનક વધારો થયો છે. શાહબાઝ શરીફ સરકાર હવે લોકોને બળજબરીથી રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. ૨૦૨૫માં અત્યાર સુધીમાં ૬૬,૧૫૪ મુસાફરોને એરપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતાં બમણા છે. બીજી તરફ, ગલ્ફ દેશોમાંથી પાકિસ્તાનીઓને વ્યાવસાયિક ભિખારી અને ગેરકાયદેસર સ્થળાંતરના આરોપસર ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી રહ્યા છે. ગળહ પ્રધાન મોહસીન નકવીએ હવે આવા મુસાફરો પર કડક પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.
રાજકીય નિષ્ણાતો અને પૂર્વ સેનેટર મુસ્તફા નવાઝ ખોખર ચેતવણી આપી રહ્યા છે કે જ્યાં સુધી રાજકારણમાં સુધારો નહીં આવે ત્યાં સુધી અર્થતંત્ર સુધરશે નહીં. પાકિસ્તાન વિશ્વનું ચોથું મોટું ફ્રીલાન્સિંગ હબ હતું, પરંતુ વારંવાર ઈન્ટરનેટ શટડાઉનને કારણે ૨૩ લાખથી વધુ નોકરીઓ જોખમમાં મુકાઈ છે અને દેશને કરોડો ડોલરનું નુકસાન થયું છે. લોકો એવા દેશમાં રહેવા તૈયાર નથી જ્યાં સરકારની ટીકા કરવાથી અપહરણ કે અત્યાચારનો ભય હોય. જનરલ મુનીરનો આત્મવિશ્વાસ ભલે ગમે તેટલો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન ઝડપથી એક પ્રતિભાશૂન્ય દેશ બની રહ્યો છે, જેની અસર આગામી પેઢીઓ સુધી વર્તાશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
