News of Saturday, 27th December 2025
ઇન્ડિગો ફ્લાઇટ સંકટનું સત્ય બહાર આવ્યું: તપાસ સમિતિનો રિપોર્ટ રજૂ : એરલાઇન્સની ગંભીર બેદરકારી ખુલ્લી પડી
DGCA ની સ્પેશિયલ કમિટીએ સોંપ્યો રિપોર્ટ: ક્રૂ મેનેજમેન્ટમાં નિષ્ફળતા અને નવા નિયમોના નબળા અમલીકરણને કારણે નવેમ્બરમાં દરરોજ 200 ફ્લાઈટ્સ રદ થઈ હતી: હવે મંત્રાલય કડક પગલાં લેવાની તૈયારીમાં

નવી દિલ્હી: ભારતીય આકાશમાં સૌથી વધુ હિસ્સો ધરાવતી ઇન્ડિગો એરલાઇન્સમાં તાજેતરમાં સર્જાયેલા અભૂતપૂર્વ ઓપરેશનલ વિક્ષેપ પાછળનું અસલી કારણ હવે સપાટી પર આવ્યું છે. 5 ડિસેમ્બરના રોજ રચાયેલી ચાર સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ પોતાનો ગુપ્ત અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એપ્રિલ 2025 માં લાગુ કરવામાં આવેલા નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમોના અમલીકરણમાં એરલાઇન્સ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. પાયલોટ અને ક્રૂ મેમ્બર્સના આરામ અને ડ્યુટીના કલાકોના નવા માળખાને સમજવામાં અને તે મુજબ રોસ્ટર તૈયાર કરવામાં મેનેજમેન્ટની ગંભીર ખામીઓને કારણે હજારો મુસાફરોએ હાલાકી ભોગવવી પડી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, DGCA દ્વારા વારંવાર આપવામાં આવેલી ચેતવણીઓ છતાં ઇન્ડિગો એરલાઇન્સે જરૂરી તાલીમ અને ક્રૂની ઉપલબ્ધતાનું યોગ્ય મૂલ્યાંકન કર્યું ન હતું. આ આયોજનના અભાવે નવેમ્બર મહિનામાં એવી સ્થિતિ સર્જાઈ કે એરલાઇન્સને દરરોજ 170 થી 200 જેટલી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. સંયુક્ત મહાનિર્દેશક સંજય કે. બ્રહ્મણેના નેતૃત્વમાં રચાયેલી આ સમિતિએ એરલાઇન્સના ઇન્ટરનલ ડેટા અને ફ્લાઇટ રોસ્ટરની ઊંડાણપૂર્વક તપાસ કરી છે, જેમાં બહાર આવ્યું છે કે કંપનીએ ફ્લાઇટ શિડ્યુલ તો વધારી દીધું પણ તેની સામે જરૂરી મેનપાવરનું આયોજન કરવામાં પાછી પડી હતી.
હાલમાં આ રિપોર્ટ મંત્રાલય પાસે છે અને તેના આધારે ઇન્ડિગો પર મોટો દંડ અથવા અન્ય નિયામક પગલાં લેવામાં આવી શકે છે. એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે આ અહેવાલ માત્ર ઇન્ડિગો જ નહીં પરંતુ અન્ય એરલાઇન્સ માટે પણ એક બોધપાઠ સમાન રહેશે, જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સાથે કોઈ સમાધાન ન થાય. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અહેવાલના આધારે કયા કડક નિયમો લાદે છે અને ઇન્ડિગો કેવી રીતે પોતાની ખરડાયેલી છબી સુધારવા માટે પગલાં ભરે છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
