News of Saturday, 27th December 2025
પુતિનનો ખૌફ: શું 'દુનિયાની તિજોરી' ગણાતું સ્વિટ્ઝર્લૅન્ડ રશિયા સામે ઘૂંટણ ટેકવી દેશે?
સ્વિસ આર્મી ચીફ થોમસ સુસ્લીની ચોંકાવનારી કબૂલાત: "જો રશિયાએ મોટો હુમલો કર્યો તો અમે લાચાર છીએ" : જૂના હથિયારો અને સૈનિકોની અછત વચ્ચે તટસ્થતાના મહોરા નીચે છુપાયેલું સ્વિટ્ઝર્લૅન્ડ હવે અબજો ડોલરના ખર્ચે પોતાની સેનાને નવેસરથી તૈયાર કરવા મજબૂર બન્યું

નવી દિલ્હી : યુરોપના નકશા પર હંમેશા 'શાંત અને તટસ્થ' રહેનારા સ્વિટ્ઝર્લૅન્ડના આંગણે અત્યારે યુદ્ધના પડઘા સંભળાઈ રહ્યા છે. સ્વિસ સશસ્ત્ર દળોના વડા થોમસ સુસ્લીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું છે કે જો રશિયા જેવો શક્તિશાળી દેશ સ્વિટ્ઝર્લૅન્ડ પર સંપૂર્ણ પાયે સૈન્ય હુમલો કરે, તો દેશ પોતાનો બચાવ કરવામાં સક્ષમ નથી. અત્યારે સ્થિતિ એવી છે કે જો કટોકટી સર્જાય, તો દેશના માત્ર એક તૃતીયાંશ (33%) સૈનિકો પાસે જ સંપૂર્ણ સાધન-સામગ્રી ઉપલબ્ધ હશે. રશિયા-યુક્રેન યુદ્ધે સ્વિટ્ઝર્લૅન્ડને એ સમજવા મજબૂર કર્યું છે કે માત્ર 'તટસ્થ' હોવું સુરક્ષાની ગેરંટી નથી. સુસ્લીના મતે, રશિયા જે રીતે પશ્ચિમી દેશોને અસ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યું છે, તેને જોતા સ્વિટ્ઝર્લૅન્ડ માટે હવે જાગવાનો સમય આવી ગયો છે.
સંરક્ષણ ક્ષેત્રે સ્વિટ્ઝર્લૅન્ડની નબળાઈ પાછળનું મુખ્ય કારણ વર્ષોથી સૈન્ય બજેટમાં કરવામાં આવેલો કાપ છે. હાલમાં આ દેશ તેના GDPના માત્ર 0.7 ટકા જ સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે, જે યુરોપના અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. જોકે, હવે આ આંકડો વધારીને 1 ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રશિયાના ભયને કારણે સ્વિટ્ઝર્લૅન્ડ હવે તેના જૂના થઈ ગયેલા આર્ટિલરી અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સને આધુનિક બનાવી રહ્યું છે. જોકે સાયબર હુમલાઓ સામે લડવા માટે દેશ સજ્જ હોવાનો દાવો કરાયો છે, પરંતુ જમીની લડાઈમાં સેના પાસે આધુનિક ટેન્કો અને હથિયારોની ભારે અછત વર્તાઈ રહી છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ સ્વિટ્ઝર્લૅન્ડ અત્યારે 'ટ્રમ્પ કાર્ડ' અને મોંઘવારીના ડબલ માર નીચે ફસાયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન અને ટેરિફ નીતિઓની અસર સ્વિસ સંરક્ષણ સોદાઓ પર પડી રહી છે. સ્વિટ્ઝર્લૅન્ડ તેના હવાઈ સંરક્ષણને મજબૂત કરવા માટે અમેરિકા પાસેથી અત્યાધુનિક F-35 ફાઇટર જેટ ખરીદવા માંગતું હતું, પરંતુ વધતી જતી કિંમતો અને ટેરિફના કારણે હવે સ્વિસ સરકાર આ સોદામાં વિમાનોની સંખ્યા ઘટાડવા પર વિચાર કરી રહી છે. આર્થિક મોરચે પણ મર્યાદાઓ હોવાથી 'ન્યુટ્રલ' સ્વિટ્ઝર્લૅન્ડ માટે અત્યારે પોતાની સરહદો સાચવવી એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
