News of Saturday, 27th December 2025
પુતિનનો 'માસ્ટરસ્ટ્રોક': બેલારુસમાં રશિયાનું ગુપ્ત મિસાઇલ મથક : હવે માત્ર મિનિટોમાં આખું યુરોપ નિશાના પર!
અવાજની ગતિ કરતા 10 ગણી ઝડપી અને પરમાણુ હુમલો કરવામાં સક્ષમ: સેટેલાઇટ તસવીરોમાં ક્રિચેવ એરબેઝ પર ચાલી રહેલા યુદ્ધના ધોરણે બાંધકામનો પર્દાફાશ થતા નાટો દેશોમાં ફફડાટ

બેલારુસ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપના દરવાજા પર પોતાની સૌથી ઘાતક મિસાઇલ 'ઓરેશ્નિક' તૈનાત કરીને પશ્ચિમી દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. અમેરિકી સંશોધકો જેફરી લુઈસ અને ડેકર એવલેથે પ્લેનેટ લેબ્સની સેટેલાઇટ તસવીરો દ્વારા મોટો ધડાકો કર્યો છે કે, પૂર્વી બેલારુસના ક્રિચેવ એરબેઝ પર અત્યંત ગુપ્ત રીતે હાઇપરસોનિક મિસાઇલ બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ એરબેઝ મોસ્કોથી માત્ર 478 કિમી દૂર છે, પરંતુ અહીંથી રશિયા આખા યુરોપ પર પલક ઝપકતા હુમલો કરવાની તાકાત મેળવી લેશે. રિપોર્ટ મુજબ, અહીં રેલ ટ્રાન્સફર પોઈન્ટ્સ અને છુપાયેલા લોન્ચ પેડ્સનું કામ એટલી ઝડપથી ચાલી રહ્યું છે કે નિષ્ણાતો તેને યુદ્ધની પૂર્વ તૈયારી માની રહ્યા છે.
'ઓરેશ્નિક' એ કોઈ સામાન્ય મિસાઇલ નથી, પણ રશિયાનું એવું બ્રહ્માસ્ત્ર છે જેને રોકવું હાલની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ માટે અશક્ય છે. 12,000 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ ઉડતી આ મિસાઇલ 5,500 કિમી સુધીના લક્ષ્યને વિંધી શકે છે. નવેમ્બર 2024માં યુક્રેન પરના પરીક્ષણ બાદ પુતિને ગર્વથી કહ્યું હતું કે આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે અને તે એકસાથે અનેક શહેરોને તબાહ કરી શકે છે. બેલારુસના રાષ્ટ્રપતિ લુકાશેન્કોએ 10 જેટલી મિસાઇલો તૈનાત કરવાની જાત કરી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે રશિયા હવે તેની સરહદોની બહાર પરમાણુ શક્તિનો વિસ્તાર કરીને નાટો (NATO) ને સીધો પડકાર ફેંકી રહ્યું છે.
નિષ્ણાતો આ પગલાને માત્ર લશ્કરી જમાવટ નહીં, પણ એક મોટો રાજકીય સંદેશ માની રહ્યા છે. અમેરિકાએ જર્મનીમાં પોતાની 'ડાર્ક ઇગલ' મિસાઇલો તૈનાત કરી તેના જવાબમાં રશિયાએ આ આક્રમક વ્યૂહરચના અપનાવી છે. શીત યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે રશિયા બીજા દેશની ધરતી પર પરમાણુ સક્ષમ મિસાઇલોનો સંગ્રહ કરી રહ્યું છે. ન્યૂ START સંધિના અંત પહેલા રશિયાની આ ઉતાવળ દર્શાવે છે કે વિશ્વ ફરી એકવાર પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા તરફ ધકેલાઈ રહ્યું છે. યુરોપના સુરક્ષા નિષ્ણાતો માને છે કે જો બેલારુસમાંથી આ મિસાઇલ છોડવામાં આવે, તો લંડન, પેરિસ કે બર્લિન જેવા શહેરો પાસે બચવા માટે માત્ર ગણતરીની મિનિટો જ હશે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
