<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ટ્રમ્પની 'માસ્ટર ગેમ': દેવાતળે દબાયેલા પાકિસ્તાનને અમેરિકાએ આપી 'લોલીપોપ' : શું શાહબાઝ સરકાર દેશની સંપત્તિ ગીરો મૂકશે?

પાકિસ્તાનના રેલવે નેટવર્કને બચાવવાના બહાને ડોનાલ્ડ ટ્રમ્પે મુકી ત્રણ અત્યંત કડક શરતો: મસ્કની સ્ટારલિંક માટે રસ્તો સાફ કરવાથી લઈને પાકિસ્તાનના ખનિજ ભંડાર પર કબજો જમાવવા સુધીની અમેરિકાની 'બિઝનેસ પોલિસી' સામે લાચાર બન્યા શરીફ અને મુનીર

ઇસ્લામાબાદ:આર્થિક કંગાળિયતનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ફરી એકવાર અમેરિકાએ મદદનો હાથ લંબાવ્યો છે, પરંતુ આ મદદ પાછળ ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો સ્વાર્થ છુપાયેલો હોવાનું દેખાઈ રહ્યું છે. પાકિસ્તાનનું રેલવે નેટવર્ક અત્યારે પાયમાલ થઈ રહ્યું છે અને જૂના એન્જિનના સમારકામમાં જ દેશની તિજોરી ખાલી થઈ રહી છે. આ તકનો લાભ લઈને અમેરિકાએ પાકિસ્તાનને અત્યાધુનિક અમેરિકન લોકોમોટિવ્સ (રેલ એન્જિન) આપવાની ઓફર કરી છે. જોકે, આ 'લોલીપોપ' પાછળ અમેરિકાએ પાકિસ્તાનને પશ્ચિમી કંપનીઓ માટે રેડ કાર્પેટ બિછાવવા મજબૂર કર્યું છે. પાકિસ્તાન પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી, કારણ કે એક તરફ IMFનું દબાણ છે અને બીજી તરફ દેશની આંતરિક આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર છે.

અમેરિકાની શરતોએ પાકિસ્તાની શાસકોને દ્વિધામાં મૂકી દીધા છે. પહેલી શરત મુજબ, એલોન મસ્કની હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા 'સ્ટારલિંક'ને પાકિસ્તાનમાં લાઇસન્સ આપવા દબાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે પાકિસ્તાન પર લાદવામાં આવેલો 5% ડિજિટલ સર્વિસ ટેક્સ નાબૂદ કરાવી દીધો છે, જેથી ગૂગલ, એમેઝોન અને નેટફ્લિક્સ જેવી અમેરિકન કંપનીઓ કોઈપણ અવરોધ વગર પાકિસ્તાનમાં કમાણી કરી શકે. આ નિર્ણયથી પાકિસ્તાનને મળતી ટેક્સની આવકમાં મોટો ફટકો પડશે, પરંતુ સત્તા ટકાવી રાખવા માટે શાહબાઝ સરકારે અમેરિકાની આ 'બિઝનેસ ફર્સ્ટ' નીતિ સામે ઘૂંટણ ટેકવી દીધા છે.

સૌથી વધુ ચોંકાવનારી ત્રીજી શરત પાકિસ્તાનના કુદરતી સંસાધનો પરની તરાપ છે. યુએસ વહીવટીતંત્રની નજર હવે પાકિસ્તાનની ધરતીમાં દટાયેલા કિંમતી ખનિજ ભંડારો પર છે. અમેરિકાએ પાકિસ્તાનના ખનિજોનું સંયુક્ત મૂલ્યાંકન કરવાની અને તેના ઉત્ખનન માટે કરાર કરવાની શરત મૂકી છે. 135 બિલિયન ડોલરના વૈશ્વિક ભંડોળનો ઉપયોગ કરીને અમેરિકા પાકિસ્તાનના ખનિજ સંસાધનોની નિકાસ કરવા માંગે છે. નિષ્ણાતો માને છે કે જો શાહબાઝ અને મુનીર આ શરતો સ્વીકારે છે, તો પાકિસ્તાન લાંબા ગાળે આર્થિક ગુલામીના નવા ચક્રમાં ફસાઈ શકે છે.

(7:22 PM IST)