<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

દિગ્વિજય સિંહની એક પોસ્ટથી કોંગ્રેસમાં 'ભૂકંપ': પીએમ મોદી અને RSSના કર્યા વખાણ, પછી ગણતરીની મિનિટોમાં કરી સ્પષ્ટતા !

લાલકૃષ્ણ અડવાણીના ચરણોમાં બેઠેલા નરેન્દ્ર મોદીની તસવીર શેર કરી દિગ્વિજયે 'સંઘની શક્તિ'ના ગુણગાન ગાયા; રાહુલ ગાંધી અને ખડગેને ટેગ કરતા જ દિલ્હીથી ભોપાલ સુધી હોબાળો મચ્યો : આખરે "હું મોદીનો કટ્ટર વિરોધી છું" કહીને બચાવ કરવો પડ્યો

નવી દિલ્હી:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ હંમેશા પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમણે કંઈક એવું કર્યું કે ખુદ તેમની જ પાર્ટીના નેતાઓ આઘાતમાં સરી પડ્યા. દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપના ભીષ્મ પિતામહ લાલકૃષ્ણ અડવાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દાયકા જૂની તસવીર શેર કરી હતી. આ ફોટામાં પીએમ મોદી જમીન પર બેઠેલા જોવા મળે છે. દિગ્વિજયે આ તસવીર સાથે લખ્યું કે, "કેવી રીતે એક સામાન્ય RSS સ્વયંસેવક નેતાઓના પગમાં બેસીને દેશનો વડાપ્રધાન બને છે, તે સંગઠનની શક્તિ દર્શાવે છે." તેમણે આ પોસ્ટમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓને ટેગ કરતા કોંગ્રેસ ખેમામાં ખળભળાટ મચી ગયો હતો.

આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર અને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ ગઈ કે શું દિગ્વિજય સિંહના સૂર બદલાયા છે? ભાજપના નેતાઓએ આ પોસ્ટને 'મોડે મોડે આવેલી શાન' ગણાવીને મજાક ઉડાવવાનું શરૂ કર્યું, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં મૂંઝવણ ફેલાઈ ગઈ. વિવાદ એટલો વધ્યો કે હાઈકમાન્ડ તરફથી પણ સવાલો ઉઠ્યા. દિગ્વિજય સિંહે 'જય સિયા રામ' કહીને સંઘના સંગઠનાત્મક માળખાની જે રીતે પ્રશંસા કરી, તેનાથી એવો સંદેશ ગયો કે તેઓ કોંગ્રેસના નબળા સંગઠન સામે ભાજપ અને RSSના મજબૂત માળખાના વખાણ કરી રહ્યા છે.

પરિસ્થિતિ વણસતી જોઈને દિગ્વિજય સિંહે તાત્કાલિક બીજી એક સ્પષ્ટતા જારી કરવી પડી હતી. તેમણે બચાવ કરતા કહ્યું કે, "મારી વાતને ખોટી રીતે સમજવામાં આવી છે. હું RSS અને મોદીજીનો કટ્ટર વિરોધી હતો, છું અને રહીશ. મેં માત્ર 'સંગઠન'ની શક્તિની પ્રશંસા કરી છે, વિચારધારાની નહીં." તેમણે વધુમાં સવાલ કર્યો કે શું સંગઠનને મજબૂત બનાવવાની વાત કરવી એ ગુનો છે? જોકે, રાજકીય વિશ્લેષકો માને છે કે આ પોસ્ટ દ્વારા દિગ્વિજયે આડકતરી રીતે પોતાની જ પાર્ટીના નેતૃત્વને સંગઠન બાબતે અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. હવે આ 'ટ્વિટર વોર' શાંત થાય છે કે કોંગ્રેસ શિસ્તભંગની કાર્યવાહી કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

(7:23 PM IST)