News of Saturday, 27th December 2025
કેનેડામાં ભારતીય મહિલાઓની મદદે ભારત સરકાર: ટોરોન્ટોમાં શરૂ થયું પ્રથમ 'વન સ્ટોપ સહાય કેન્દ્ર'
એક ભારતીય મહિલાના શંકાસ્પદ મોતના પડઘા વચ્ચે દૂતાવાસનો મોટો નિર્ણય; ઘરેલુ હિંસા અને શોષણનો ભોગ બનેલી મહિલાઓને હવે 24 કલાક મળશે કાનૂની અને ભાવનાત્મક મદદ

ટોરોન્ટો : કેનેડામાં વસતા ભારતીય સમુદાય માટે ભારત સરકારે એક અત્યંત સંવેદનશીલ અને જરૂરી પહેલ કરી છે. તાજેતરમાં કેનેડામાં 30 વર્ષીય એક ભારતીય મહિલાના રહસ્યમય સંજોગોમાં થયેલા નિધન અને તેમાં તેના જ જીવનસાથી પર સેવાઈ રહેલી શંકા બાદ, ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટે 'વન સ્ટોપ સેન્ટર ફોર વિમેન' (One Stop Centre) કાર્યરત કર્યું છે. આ કેન્દ્ર ખાસ કરીને એવી ભારતીય મહિલાઓ માટે આશાનું કિરણ બનશે જેઓ સાત સમંદર પાર પોતાના જ ઘરમાં હિંસા, દુર્વ્યવહાર કે કાનૂની ગૂંચવણોનો સામનો કરી રહી છે. ભારતીય પાસપોર્ટ ધરાવતી કોઈ પણ મહિલા હવે મુશ્કેલીના સમયે સીધો દૂતાવાસનો સંપર્ક કરી શકશે.
આ સહાય કેન્દ્રની સૌથી મોટી વિશેષતા તેની '24x7 હેલ્પલાઇન' સેવા છે, જે દિવસ-રાત કાર્યરત રહેશે. અહીં માત્ર કાગળ પરની સલાહ જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ મહિલાઓને તાત્કાલિક કાઉન્સેલિંગ, મનોસામાજિક ટેકો અને કાનૂની સલાહ પણ આપવામાં આવશે. કેનેડાના સ્થાનિક કાયદાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત NGO અને નિષ્ણાતોની પેનલ આ મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે. જો કોઈ મહિલા આર્થિક રીતે સક્ષમ ન હોય, તો તેને ભારત સરકારના નિયમો મુજબ આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે, જેથી તે મજબૂરીમાં શોષણનો શિકાર ન બને.
દૂતાવાસના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રનો વહીવટ મહિલા વહીવટકર્તાઓ દ્વારા જ કરવામાં આવશે, જેથી પીડિત મહિલાઓ પોતાની વાત કોઈ પણ સંકોચ વગર રજૂ કરી શકે. કેનેડામાં વધી રહેલા કૌટુંબિક વિખવાદ અને ભારતીય મહિલાઓના શોષણના કિસ્સાઓને રોકવા માટે આ એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. આ પહેલથી કેનેડામાં રહેતા ભારતીય પરિવારોમાં સુરક્ષાનો વિશ્વાસ વધશે અને મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. ભારત સરકારનું આ પગલું દર્શાવે છે કે વિશ્વના કોઈ પણ ખૂણે ભારતીય નાગરિકની સુરક્ષા એ તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
