<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: 'છઠ્ઠી ઇન્દ્રિય'ના આધારે બળાત્કારના દોષિતને કર્યો મુક્ત, છીનવાઈ ગયેલી નોકરી પણ પરત અપાવી

જજની કોઠાસૂઝે બદલી નાખ્યું યુગલનું ભાગ્ય; જેલના સળિયા પાછળ રહેલા શખ્સના હવે પીડિતા સાથે જ થયા લગ્ન, સુપ્રીમ કોર્ટે અનોખી રીતે કર્યો 'સંપૂર્ણ ન્યાય'

નવી દિલ્હી : ઘણીવાર કાયદાના ચોપડા કરતાં માનવીય સંવેદના અને ન્યાયાધીશની 'છઠ્ઠી ઇન્દ્રિય' (Sixth Sense) સત્યને પારખવામાં વધુ સચોટ સાબિત થાય છે. સુપ્રીમ કોર્ટે બળાત્કારના એક ગંભીર કેસમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલા વ્યક્તિને માત્ર નિર્દોષ જાહેર જ નથી કર્યો, પરંતુ તેને નવું જીવન અને જૂની નોકરી પણ પરત અપાવી છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ અનોખો ચુકાદો આપ્યો છે.
જ્યારે 'ન્યાય' ગેરસમજમાં ફસાયો
ઘટનાની વિગત એવી છે કે મધ્યપ્રદેશના એક યુવક-યુવતી ૨૦૧૫માં સોશિયલ મીડિયા પર મિત્રો બન્યા હતા. બંને વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા, પરંતુ લગ્નમાં વિલંબ થતાં સુરક્ષાની ભાવનાથી પીડિત યુવતીએ ૨૦૨૧માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ટ્રાયલ કોર્ટે યુવકને ૧૦ વર્ષની કઠોર સજા ફટકારી અને તે જેલમાં ધકેલાયો. હાઈકોર્ટે પણ તેને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
જજની 'છઠ્ઠી ઇન્દ્રિય'એ પારખ્યું સત્ય
જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે બેન્ચે કંઈક અલગ જ અનુભવ્યું. કોર્ટે અસાધારણ પગલું ભરીને જેલમાં રહેલા આરોપી અને પીડિતાને તેમના માતા-પિતા સાથે ચેમ્બરમાં રૂબરૂ બોલાવ્યા. ન્યાયાધીશોએ તેમની સાથે વ્યક્તિગત વાતચીત કરી ત્યારે સમજાયું કે આ કોઈ ગુનો નહીં, પણ માત્ર એક ગેરસમજ હતી. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે, "અમારી 'છઠ્ઠી ઇન્દ્રિય'એ સંકેત આપ્યો કે આ બંનેને ફરી સાથે લાવી શકાય તેમ છે."
જેલથી જેન્ડા સુધીની સફર
કોર્ટના મધ્યસ્થી બાદ બંને પક્ષો લગ્ન માટે તૈયાર થયા. કોર્ટે આરોપીને લગ્ન માટે ખાસ જામીન આપ્યા અને જુલાઈમાં બંનેએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ડિસેમ્બરમાં જ્યારે કોર્ટે ફરી સ્થિતિ તપાસી ત્યારે જાણવા મળ્યું કે બંને પતિ-પત્ની તરીકે સુખી જીવન વિતાવી રહ્યા છે. આ જોઈને સુપ્રીમ કોર્ટે યુવક સામેની એફઆઈઆર, તમામ ફોજદારી કાર્યવાહી અને ૧૦ વર્ષની સજા રદ કરી દીધી હતી.
છીનવાયેલી નોકરી અને સન્માન પરત
આરોપી મધ્યપ્રદેશના સાગરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો, જ્યાંથી તેને દોષિત જાહેર થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માત્ર તેને મુક્ત જ નથી કર્યો, પરંતુ સરકારને આદેશ આપ્યો છે કે તેને તાત્કાલિક નોકરી પર પરત લેવામાં આવે અને તેનો બાકી રહેતો તમામ પગાર પણ ચૂકવવામાં આવે.

(7:26 PM IST)