News of Saturday, 27th December 2025
પરમાણુ 'બોમ્બ' પર ઉભેલી દુનિયા: યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજા માટે રશિયા-યુક્રેન વચ્ચે ખેલાશે આખરી જંગ? ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવમાં મોટો અવરોધ
૬ રિએક્ટર, ૫.૭ ગીગાવોટ વીજળી અને અમેરિકાની એન્ટ્રી: શું રશિયા અને અમેરિકા સંયુક્ત રીતે ચલાવશે ઝાપોરિઝ્ઝિયા પ્લાન્ટ? જાણો નવો 'ત્રિપક્ષીય' પ્લાન અને અકસ્માતનો ખતરો

કિવ : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સક્રિય થયા છે. જોકે, આ શાંતિ યોજનાના માર્ગમાં સૌથી મોટો અવરોધ 'ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પાવર પ્લાન્ટ' છે. યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીએ રજૂ કરેલા ૨૦ મુદ્દાઓના શાંતિ પ્રસ્તાવમાં આ પ્લાન્ટનું ભાવિ કેન્દ્રસ્થાને છે, જે યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ માનવામાં આવે છે.
અમેરિકાની એન્ટ્રી અને '૫૦-૫૦' ફોર્મ્યુલા
માર્ચ ૨૦૨૨ થી આ પ્લાન્ટ રશિયાના કબજામાં છે, પરંતુ વિશ્વના મોટાભાગના દેશો તેને યુક્રેનની સંપત્તિ માને છે. ઝેલેન્સકીએ હવે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં અમેરિકન મેનેજરના નેતૃત્વ હેઠળ 'ત્રિપક્ષીય સંચાલન'ની વાત કરવામાં આવી છે. આ યોજના મુજબ, અમેરિકા પોતે નક્કી કરશે કે પ્લાન્ટમાં ઉત્પાદિત થતી ૫૦ ટકા વીજળીનો ઉપયોગ કેવી રીતે કરવો. રશિયા પણ આ પ્લાન્ટના સંયુક્ત ઉપયોગ પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલો છે.
પ્લાન્ટની હાલત અને અકસ્માતનો ફાળકો
૧૯૮૦ના દાયકામાં બનેલા આ પ્લાન્ટમાં ૬ રિએક્ટર છે, જે અત્યારે 'કોલ્ડ શટડાઉન' અવસ્થામાં છે. રશિયાએ પ્લાન્ટનો કબજો લીધા પછી તે રશિયન ગ્રીડ સાથે જોડવા પ્રયાસો કર્યા છે, જ્યારે યુક્રેન તેને પોતાના અસ્તિત્વ માટે જરૂરી માને છે. છેલ્લા ચાર વર્ષમાં ૧૧ વખત પાવર લાઈનો કપાઈ છે, જેના કારણે પ્લાન્ટને ઇમરજન્સી ડીઝલ જનરેટર પર ચલાવવો પડ્યો છે. જો ઠંડક પ્રણાલી ખોરવાય, તો જાપાનના ફુકુશિમા જેવી ભયાનક પરમાણુ દુર્ઘટના સર્જાઈ શકે છે.
રશિયા અને યુક્રેન કેમ જીદે ચડ્યા છે?
રશિયા આ પ્લાન્ટ દ્વારા પોતાના દક્ષિણ વિસ્તારોની વીજળીની તંગી દૂર કરવા માંગે છે, જ્યારે રશિયન હુમલાઓથી અંધારામાં ડૂબેલા યુક્રેન માટે આ પ્લાન્ટ ૪ ગીગાવોટ વીજળીની ખોટ પૂરી કરી શકે તેમ છે. વિશ્લેષકોના મતે, જો યુક્રેન આજે પ્લાન્ટનો કબજો મેળવે તો પણ તેને ફરીથી સંપૂર્ણ કાર્યરત કરવામાં ઓછામાં ઓછા ૫ થી ૭ વર્ષ લાગી શકે છે.
પાણીની અછત: આગામી મોટું જોખમ
કાખોવકા ડેમ તૂટ્યા પછી રિએક્ટરને ઠંડુ રાખવા માટે જરૂરી જળાશય નાશ પામ્યું છે. અત્યારે પાણીનું સ્તર ૩ મીટરથી વધુ ઘટી ગયું છે, જે લાંબા ગાળે પરમાણુ બળતણને ઠંડુ રાખવા માટે અપૂરતું સાબિત થઈ શકે છે. જો જળાશય સુકાઈ જશે, તો રિએક્ટરમાં વિસ્ફોટ કે આગ લાગવાનું જોખમ અનેકગણું વધી જશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
