News of Saturday, 27th December 2025
ભારતમાં ઝેર ફેલાવવા માટે અલ-કાયદાનું 'અફઘાની' ષડયંત્ર: મહારાષ્ટ્ર ATSનો સનસનીખેજ ખુલાસો, સાયબર આતંકવાદનું હોંગકોંગ કનેક્શન ખુલ્યું!
ઝુબેર હંગરગેકરની ધરપકડ બાદ આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો પર્દાફાશ; અફઘાનિસ્તાનથી સર્વર ઓપરેટ કરીને ભારતીય યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ખતરનાક પ્લાનિંગ

મુંબઈ : ભારતની આંતરિક સુરક્ષાને લઈને મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આતંકવાદી સંગઠન અલ-કાયદા ભારતમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા માટે હાઈટેક સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સંગઠન અફઘાનિસ્તાનમાં સ્થિત રિમોટ સર્વર અને કંટ્રોલ સેન્ટર્સ દ્વારા ભારત વિરોધી ઝેર ઓકી રહ્યું છે.
હોંગકોંગ કનેક્શન અને સંદેશાવ્યવહારની માયાજાળ
ઝુબેર હંગરગેકર નામના શંકાસ્પદની પૂછપરછ અને તેની પાસેથી જપ્ત કરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ડેટા એનાલિસિસમાં જાણવા મળ્યું છે કે આતંકીઓ પોતાની ઓળખ છુપાવવા માટે અત્યંત ચાલાકી વાપરી રહ્યા છે. સંદેશાવ્યવહારને ટ્રેક થતો બચાવવા માટે હોંગકોંગને 'રૂટીંગ હબ' તરીકે વાપરવામાં આવતું હતું. તપાસકર્તાઓ મુજબ, આતંકીઓ હોંગકોંગ અને અફઘાનિસ્તાનમાં નોંધાયેલી અનેક ઓનલાઈન આઈડી દ્વારા સૂચનાઓનું આદાન-પ્રદાન કરતા હતા.
અફઘાનિસ્તાનથી ઓપરેટ થતું સાયબર આતંકવાદ
મહારાષ્ટ્ર ATS અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના અહેવાલો મુજબ, અલ-કાયદાએ અફઘાનિસ્તાનમાં પોતાનું મજબૂત સાયબર નેટવર્ક ઉભું કર્યું છે. આ નેટવર્ક દ્વારા સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરીને સતત પ્રોપેગેન્ડા (પ્રચાર) ચલાવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુવાનોને ભ્રમિત કરી તેમને આતંકવાદના રસ્તે વાળવાનો છે.
ગલ્ફ દેશો સુધી ફેલાયેલા છે તાર
તપાસમાં માત્ર અફઘાનિસ્તાન જ નહીં, પરંતુ પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કુવૈત અને ઓમાન સાથે જોડાયેલા સંપર્કો પણ રડાર પર આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ દ્વારા કયા પ્રકારે ફંડિંગ અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો હતો.
ATS ના આ ખુલાસા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આતંકી ગતિવિધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
