<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

મનરેગા હવે ઈતિહાસ, 'ગ્રામ-જી' (GRAM-G) થી બદલાશે ગામડાઓનું નસીબ: શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસને આડે હાથ લીધી; "ગરીબોના નામે મગરના આંસુ વહાવવાનું બંધ કરો"

૧૦૦ નહીં હવે ૧૨૫ દિવસની ગેરંટી સાથેનું કામ મળશે; દિલ્હીથી નહીં પણ સીધું પંચાયતથી થશે સંચાલન – કેન્દ્રીય મંત્રીએ નવા કાયદાને ગ્રામીણ ભારત માટે 'વરદાન' ગણાવ્યું

નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા ગ્રામીણ રોજગાર ક્ષેત્રે કરવામાં આવેલા સૌથી મોટા સુધારાને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. વર્ષ ૨૦૦૫થી ચાલી આવતી 'મનરેગા' યોજનાના સ્થાને હવે 'વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ અજીવિકા મિશન (ગ્રામીણ)' એટલે કે VB-G RAM G કાયદો અમલમાં આવ્યો છે. આ ફેરફાર પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી ટીકાઓનો જડબાતોડ જવાબ આપતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ માત્ર રાજકીય હોબાળો કરી રહી છે.
૧૦૦ને બદલે ૧૨૫ દિવસની રોજગારી
શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર વિગતવાર પોસ્ટ મૂકીને નવા કાયદાના ફાયદા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, નવા માળખા હેઠળ રોજગારની સુરક્ષા ઘટાડવામાં નથી આવી, પરંતુ મજબૂત કરવામાં આવી છે. હવે ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં ૧૦૦ને બદલે ૧૨૫ દિવસના કામની ગેરંટી મળશે. જો નિર્ધારિત સમયમાં કામ નહીં મળે, તો બેરોજગારી ભથ્થાની પણ કડક જોગવાઈ કરવામાં આવી છે, જે શ્રમિકોના અધિકારોને વધુ સુરક્ષિત કરે છે.
દિલ્હીની સત્તા હવે ગામડાના હાથમાં
નવા કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે યોજનાઓ દિલ્હીના એસી રૂમમાં બેસીને નહીં, પણ ગામડાની ગ્રામસભામાં નક્કી થશે. ગ્રામ પંચાયતોને પોતાની જરૂરિયાત મુજબ રોજગાર યોજનાઓ તૈયાર કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. શિવરાજ સિંહે ઉમેર્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને વેતનની ચુકવણી સીધી શ્રમિકોના બેંક ખાતામાં સમયસર જમા થશે.
કોંગ્રેસના 'મગરના આંસુ' પર પ્રહાર
રાહુલ ગાંધીના આક્ષેપો પર પલટવાર કરતા ચૌહાણે કહ્યું કે, "આ એ જ કોંગ્રેસ છે જેણે વારંવાર મનરેગાનું બજેટ ઘટાડ્યું હતું. આજે તેઓ ગરીબોના હમદર્દ હોવાનો ડોળ કરે છે." રાહુલ ગાંધીએ આ ફેરફારને 'સંઘીય માળખા પર હુમલો' ગણાવ્યો હતો, જેની સામે શિવરાજ સિંહે કહ્યું કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને પંચાયતોને મજબૂત કરવી એ લોકશાહીનું સાચું સન્માન છે.
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નવો અધ્યાય
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 'વિકસિત ભારત જી-ગ્રામ-જી' બિલ ૨૦૨૫ ને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ યુપીએ સરકારના સમયની મનરેગા યોજનાનો અંત આવ્યો છે. નવો કાયદો મહિલાઓ, સ્વ-સહાય જૂથો અને પછાત પંચાયતોને વિશેષ પ્રાધાન્ય આપીને ગામડાઓમાં ટકાઉ અસ્કયામતો ઊભી કરવા પર ભાર મૂકે છે.

(7:56 PM IST)