News of Saturday, 27th December 2025
પ્રાંસલામા ૨૮ રાજયો અને ૮ કેન્દ્રશાશિત પ્રદેશના ૧૫૦૦૦ જેટલા શિબિરાર્થીઓ સાથે ૪ જાન્યુઆરી સુધી આયોજિત ૨૬મી રાષ્ટ્રકથા શિબિરનો પ્રારંભ : 'પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મમાં સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે.': સ્વામી ધર્મબંધુજી
પુનઃ 'સોને કી ચિડીયા' નહીં, સંપતિવાનની સાથે સશકત 'સોને કા શેર’ રાષ્ટ્ર નિર્માણ કરવા આહવાન કરતા કેરાલાના રાજયપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર :જયારે મા ની શિખામણ ભૂલી જઇએ છીએ ત્યાંથી ખરાબ કૃત્યોનો આરંભ થાય છે : આસામ રાયફલના ડીજી લેફટન્ટન્ટ જનરલ વિકાસ લાખેરા

રાજકોટ તા.૨૮
સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા પ્રાંસલા મુકામે આજે તા. ૪ જાન્યુઆરી સુધી યોજાનાર ૨૬મી રાષ્ટ્રકથા શિબીરનો વૈદિક યજ્ઞથી શુભારંભ થયો હતો જેમાં કેરાલાના રાજયપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેંકર, રાજયના વન-પર્યાવરણ-કલાયમેટ ચેન્જ અને સાયન્સ-ટેકનોલોજી વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, આસામ રાયફલના ડીજી લેફટન્ટન્ટ જનરલ વિકાસ લાખેરા સહિતના અગ્રણીઓ સામેલ થયા હતા.
૨૮ રાજયો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પધારેલ ૧૫૦૦૦ જેટલા શિબિરાર્થી ભાઇ-બહેનોને સ્વામી ધર્મબંધુજીએ પ્રેરક સંબોધન કરતાં જણાવેલ કે, આપણા ભુતકાળનું અધ્યયન કરવું જોઇએ કે જેથી વર્તમાનને સારી રીતે સમજી શકાય અને ભવિષ્ય માટે નિતી નિર્ધારણ કરી શકાય. આથી આ રાષ્ટ્રકથા શિબિર દરમિયાન સંવિધાન, રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સમરસતા, સાયન્સ-ટેકનોલોજી, અધ્યાત્મ વિગેરે વિષયો અંગે રાષ્ટ્ર ચિંતન કરવામાં આવશે. આ સાથે નાના નિર્ણયો જ ભવ્ય ઇતિહાસ નિર્માણમાં નિર્ણાયક સાબિત થતા હોય મહિલા સશક્તિકરણ, અહિંસા, દેશની વૈવિધ્યસભર ધર્મ-સંસ્કૃતિ- સભ્યતા- ભાષા-જાતિ સાથે સામાજિક સૌહાર્દતા જાળવવીને પણ આવરી લેવાશે.
આપણી સાથે સ્વતંત્ર પામેલ અનેક રાષ્ટ્રો બેહાલ છે. જયારે આપણા રાષ્ટ્રના સંવિધાન અને સભ્યતાએ તેને અખંડ જાળવી રાખીને આત્મનિર્ભર બનાવ્યું હોય સંવિધાનને માત્ર કાનૂની દસ્તાવેજના રૂપમાં નહીં પરંતુ નાગરિકોને દાયિત્વોનું માર્ગદર્શન આપતા પ્રેરક દસ્તાવેજ સ્વરૂપે જોવું જોઇએ.
સ્વામીજી એ ઉમેર્યુ હતું કે, વિશ્વ બેન્કના અભ્યાસ પ્રમાણે આવનાર ૧૦ વર્ષોમાં રોજગારી આપતા પરંપરાગત ૪૦ ટકા સ્રોતોનું સ્વરૂપ બદલાઈ જશે. આથી શૈક્ષણિક ડીગ્રી મેળવી લેવી પર્યાપ્ત નથી આ સાથે ચારિત્ર્ય, કૌશલ્ય વિકસિત કરવા વિશે અત્યારથી જ વિચારવું આવશ્યક છે.
બદલાતા યુગમાં હવે યુધ્ધ બોમ્બ અને બંદુકના સ્થાને હવે બાયોલોજીકલ, ડ્રોન અને કેમિકલ વેપન્સ એ સ્થાન લીધું છે. આ ઉપરાંત સાયબર, આઇડોલોજી અને સોશિયલ મિડીયા એટેકથી સાવધ રહેવાની જરૂર હોય પ્રત્યેક નાગરિકએ જાગૃત અને જવાબદાર બનવાની જરૂર છે. તેમણે સૂત્ર આપ્યું હતું કે, 'પ્રત્યેક સૈનિક એ યુનિફોર્મમાં સજ્જ નાગરિક છે અને પ્રત્યેક નાગરિક એ યુનિફોર્મ વિનાનો સૈનિક છે.' બ્રાહ્મ સુરક્ષા જેટલી જઆંતરિક સતર્કતા અને સંયમની આવશ્યકતા છે.
હવે ગ્લોબલ વોર્મિંગ એ ચેતવણીનો નહીં પરંતુ રોજીંદા તેના દુષ્પરિણામોથી પ્રભાવિત થવાનો વિષય બની ગયો હોય યુવા પેઢીએ પર્યાવરણ વિષયક સંવદેનશીલતાને જીવનશૈલીનો ભાગ બનાવવો પડશે.
કેરાલાના રાજયપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર
કેરાલાના રાજયપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર એ શિબીરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, રાષ્ટ્રકથા શિબિરના ઉપક્રમે આપ સહુને અહીં એક જ સ્થળે સમગ્ર ભારતના વિવિધ રાજયોના યુવક-યુવતીઓ સાથે ૯ દિવસ સાથે રહેવા મળશે જેનાથી આપને ભારતની વિવિધતાભરી સભ્યતાથી પરિચિત થવાનો અમૂલ્ય અવસર મળશે.
વિશેષપણે તેમણે ‘સોને કી ચિડીયા' થી ઓળખાતા આ રાષ્ટ્રની સંપતિને ભુતકાળમાં અનેક આક્રમણખોરો લૂંટી ગયા હોય હવે સંપતિવાનની સાથે સશકત 'સોને કા શેર' રાષ્ટ્ર નિર્માણ કરવા આવહાન કર્યુ હતું. આ સાથે વર્ષ ૨૦૪૭માં આઝાદીના શતાબ્દી વર્ષમાં આપણું રાષ્ટ્ર સંપુર્ણ વિકસિત બનવા ધસમસી રહ્યું છે ત્યારે તેને વિકસિત બનાવવામાં યોગદાન આપવાની તમારી ભૂમિકા અત્યારથી જ નક્કી કરી લેવા અનુરોધ કર્યો હતો. માત્ર આર્થિક ઉત્થાન જ નહીં કલા-સાહિત્ય, રમતગમત, સાયન્સ-ટેકનોલોજી, સામાજીક સમરસતા એમ તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસથી જ વિકસિત ભારત બની શકે એમ ઉમેર્યુ હતું.
અર્જુનભાઈ મોઢવાડિયા :
રાજયના વન-પર્યાવરણ- કલાયમેટ ચેન્જ અને સાયન્સ-ટેકનોલોજી વિભાગના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પ્રાંસલા મુકામે યોજાયેલી અત્યાર સુધીની તમામ શિબિરના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહેવા મળ્યું છે તેને પોતાનું સૌભાગ્ય લેખાવતા જણાવેલ કે, પ્રતિ વર્ષે અહીં રાષ્ટ્રકથા શિબિર સ્વરૂપે સર્જાતા 'મીની ભારત' એ આપના વ્યકતિત્વ વિકાસથી માંડીને રાષ્ટ્રને સ્પર્શતા વિવિધ વિષયોને સમજવાની મળેલી સોનેરી તક છે. પ્રતિદિન અત્રે વિધ ક્ષેત્રોના મહાનુભાઓ દ્વરા આપવામાં આવતા વકતવ્યોને સાંભળજો, તેની નોંધ કરજો અને મનમાં પ્રશ્ન થાય તો તેમને પ્રશ્ન કરજો. આ તમારા જીવનની દિશા ઉઘાડી આપશે.
વિવિધ શિબિરાર્થીઓને મળજો, તેમના રાજયના જીવન ધોરણ વિગેરે વિશે પૂરછા કરજો તેમના સંપર્ક નંબર મેળવીને કાયમી મિત્રતા કેળવજો.
આસામ રાયફલના ડીજી લેફટન્ટન્ટ જનરલ વિકાસ લાખેરા :
૧૮૩૫માં સ્થાપિત અને હાલમાં મ્યાનમાર સરહદની સુરક્ષા જેમના શિરે છે એવા આસામ રાયફલના ડીજી લેફટન્ટન્ટ જનરલ વિકાસ લાખેરાએ તેમના પ્રવચનમાં પૂર્વોતર રાજયો મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલયના લોકોની પ્રમાણિકતા, નીતિમત્તાભર્યા વાળા જીવન વિશે વાત કરતાં જણાવેલ કે, કેટલાય દુર્ગમ પહાડી ગામોમાં દુકાનદાર હાજર હોતા નથી, ગ્રાહક પોતાની મેળે જોઇતી વસ્તુ લઈને નાણા દુકાનમાં રાખે દે છે.
મેઘાલય અને નાગાલેન્ડમાં મહિલાઓ ઉપર અત્યાચારના બનાવ નથી બનતા કારણ કે, ત્યાંની સંસ્કૃતિમાં પહેલેથી સ્ત્રી પ્રત્યે સન્માનની નજરે જોવાના સંસ્કાર સિંચવામાં આવે છે તેમ જણાવીને પ્રત્યેક વ્યક્તિની મા એ ઇશ્વર સ્વરૂપ છે. કોઈ મા પોતાના બાળકને ખરાબ કૃત્ય કરવા કહેતી નથી. જયારે મા ની શિખામણ ભૂલી જઇએ છીએ ત્યાંથી ખરાબ કૃત્યોનો આરંભ થાય छे.
વિશેષપણે તેમણે શિબિરાર્થીઓને સાર્થક જીવન જીવવા શિસ્ત, સંયમ અને વિશ્વાસના સદગુણોને આત્મસાત કરવા તેમજ જીવનભર સતત નવું શીખતા રહેવા અનુરોધ કર્યો હતો.
આ શિબીરમાં છત્તીસગઢમાં આત્મસમર્પણે કરેલ ૫૦ નકસલીઓ પણ ઉપસ્થિત રહીને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.તેમ દિનેશભાઈ પરમાર(રાજકોટ-પ્રાંસલા)ની યાદીમાં જણાવાયું છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
