News of Saturday, 27th December 2025
મધ્ય પ્રદેશના સીહોરમાં શિક્ષણ જગત કલંકિત: હોમવર્ક ન કર્યું તો માસૂમ બાળકોના કપડા ઉતરાવી અર્ધનગ્ન હાલતમાં ઊભા રાખ્યા; પ્રિન્સિપાલ બરતરફ, સ્કૂલ પર ૧ લાખનો દંડ
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતા લોકોમાં ભારે રોષ; બજરંગ દળ અને હિન્દુ સંગઠનોએ સ્કૂલ પર હલ્લાબોલ કર્યો, શિક્ષણ વિભાગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા

સીહોર: મધ્ય પ્રદેશના સીહોરમાં માનવતા મરી પરવારી હોય તેવી એક ઘટના સામે આવી છે. અહીંની એક ખાનગી સ્કૂલમાં હોમવર્ક ન કરવા બદલ નાના બાળકોને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા હતા. બાળકોને સજાના નામે અર્ધનિગ્ન હાલતમાં ઊભા રાખી તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટના સીહોરના જાતા ખેડા વિસ્તારની એક ખાનગી સ્કૂલની છે. સ્કૂલના શિસ્તના નામે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ દ્વારા બાળકો સાથે અત્યંત અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલા ફોટામાં જોઈ શકાય છે કે બાળકો શરમ અને ડરના માર્યા નીચું જોઈને ઊભા છે. વાલીઓ અને સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં સ્કૂલ પર પહોંચી ગયા હતા. કાર્યકરોએ સ્કૂલ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી સંજય સિંહ તોમરે જણાવ્યું કે, જોકે આ વાયરલ ફોટો ૨-૩ મહિના જૂનો છે, પરંતુ બાળકો સાથે આવું વર્તન સાંખી લેવાય નહીં. તપાસ બાદ સ્કૂલની પ્રિન્સિપાલ, ડ્રાઈવર અને સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી બદલ સંસ્થા પર ૧ લાખ રૂપિયાનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સીએસપી ડૉ. અભિનંદના શર્માએ મીડિયાને જણાવ્યું કે, આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. બાળકો અને વાલીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને જે પણ નવા તથ્યો સામે આવશે તેના આધારે ગુનાહિત કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ખાનગી સ્કૂલોમાં બાળકોની સુરક્ષા અને શિક્ષકોના વ્યવહાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
