News of Saturday, 27th December 2025
પાતાળમાં પરાક્રમ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રચશે નવો ઈતિહાસ, કર્ણાટકના કારવારથી સબમરીનમાં કરશે સમુદ્રી સફર; આવું કરનાર દેશના બીજા રાષ્ટ્રપતિ બનશે
ફાઈટર જેટમાં આકાશ ગજવ્યા બાદ હવે સમુદ્રના મોજાં ચીરશે રાષ્ટ્રપતિ; INS કદંબ નેવલ બેઝ ખાતે લોખંડી સુરક્ષા, ૧૮ કિલોમીટર સુધી માછીમારી પર પ્રતિબંધ

કારવાર: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વધુ એક સાહસિક સીમાચિહ્ન સર કરવા જઈ રહ્યા છે. આવતીકાલે તેઓ ઉત્તર કર્ણાટકના કારવાર સ્થિત એશિયાના સૌથી મોટા નૌકાદળ મથક INS કદંબની મુલાકાત લેશે અને ત્યાંથી ભારતીય નૌકાદળની અત્યાધુનિક સબમરીન પર સવાર થઈને સમુદ્રના ઊંડાણમાં ઉતરશે. આ સાથે જ તેઓ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ બાદ સબમરીનમાં મુસાફરી કરનારા ભારતના બીજા રાષ્ટ્રપતિ બનીને નવો ઈતિહાસ રચશે.
ડૉ. કલામ બાદ મુર્મુનું ઐતિહાસિક ડાઈવિંગ
વર્ષ ૨૦૦૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે વિશાખાપટ્ટનમ ખાતે સબમરીનમાં સવારી કરી હતી. હવે ૧૯ વર્ષ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ નૌકાદળની શક્તિ અને આધુનિકતાનું નિરીક્ષણ કરવા સમુદ્રની સપાટીથી નીચે જશે. રાષ્ટ્રપતિ ગોવાથી સીધા કારવાર નેવલ બેઝ પર ઉતરશે, જ્યાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને સરકારના વરિષ્ઠ મંત્રીઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે.
આકાશ પછી હવે સમુદ્રના ઊંડાણની પરખ
રાષ્ટ્રપતિ મુર્મુ પહેલેથી જ પોતાની સાહસિક વૃત્તિ માટે જાણીતા છે. તેઓ ભારતના પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે જેમણે વાયુસેનાના બે અત્યાધુનિક ફાઇટર વિમાનોમાં ઉડાન ભરી છે. તેમણે ૨૦૨૩માં સુખોઈ-30 MKI અને તાજેતરમાં ૨૯ ઓક્ટોબરે રાફેલ ફાઈટર જેટમાં આકાશ ગજવ્યું હતું. હવે તેઓ સમુદ્રની સુરક્ષા અને સબમરીન ઓપરેશન્સનો અનુભવ મેળવવા તૈયાર છે.
૧૮ કિમીના વિસ્તારમાં લોખંડી સુરક્ષા
રાષ્ટ્રપતિની આ મુલાકાતને લઈને કારવારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે કારવારથી માજાલી સુધીના ૧૮ કિલોમીટર લાંબા દરિયાકાંઠાના પટ્ટામાં માછીમારીની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. નૌકાદળના કમાન્ડો અને તટરક્ષક દળ દ્વારા સમગ્ર વિસ્તારનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ મુલાકાત ભારતીય નૌકાદળના જવાનોના મનોબળને વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે દેશના સર્વોચ્ચ સેનાપતિ પોતે સબમરીનની અંદર જઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
