News of Saturday, 27th December 2025
નામની આગળ 'પદ્મશ્રી' કે 'ભારત રત્ન' લગાડનારા સાવધાન! બોમ્બે હાઈકોર્ટનો આદેશ- "નાગરિક સન્માન એ પદવી નથી, તેનો નામની આગળ-પાછળ ઉપયોગ ન થઈ શકે"
પુરસ્કાર વિજેતાની અરજીમાં જ નામ સુધારવા કોર્ટની કડક તાકીદ; સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાને યાદ અપાવી હાઈકોર્ટે કહ્યું- "આ સન્માન રાષ્ટ્રીય ઓળખ છે, કાનૂની પદવી નહીં"

મુંબઈ : ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો મેળવનારા મહાનુભાવો માટે બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ કાનૂની પાઠ ભણાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ કે ભારત રત્ન જેવા નાગરિક સન્માનો એ શાસન દ્વારા અપાયેલી સત્તાવાર 'પદવીઓ' નથી. તેથી, આ સન્માનોનો ઉપયોગ વ્યક્તિના નામની આગળ (ઉપસર્ગ) કે પાછળ (પ્રત્યય) તરીકે કરી શકાશે નહીં.
કોર્ટમાં અરજી વખતે જ પકડાઈ ભૂલ
આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વર્ષ ૨૦૧૪ના પદ્મશ્રી વિજેતા ડૉ. શરદ હાર્દિકરની એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. જસ્ટિસ સોમશેખર સુંદરેશનની સિંગલ બેન્ચે જોયું કે કેસના ટાઇટલમાં જ "પદ્મશ્રી ડૉ. શરદ એમ. હાર્દિકર" લખેલું હતું. કોર્ટે આ અંગે સખત વાંધો ઉઠાવ્યો અને તાત્કાલિક અસરથી નામની આગળથી 'પદ્મશ્રી' શબ્દ હટાવવાનો આદેશ આપ્યો હતો.
બંધારણની કલમ અને સુપ્રીમ કોર્ટનો હવાલો
જસ્ટિસ સુંદરેશને યાદ અપાવ્યું કે ૧૯૯૫માં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે પહેલેથી જ આદેશ આપ્યો છે કે રાષ્ટ્રીય સન્માનો એ બંધારણની કલમ ૧૮ હેઠળની પદવીઓ નથી. કોર્ટે કહ્યું કે, "આ પુરસ્કારો કોઈ વ્યક્તિની કાનૂની ઓળખમાં ફેરફાર કરતા નથી. તેથી ઔપચારિક કે કાનૂની દસ્તાવેજોમાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ." બંધારણની કલમ ૧૪૧ મુજબ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તમામ અદાલતો અને નાગરિકો માટે બંધનકર્તા છે.
સન્માન છે, ટાઈટલ નહીં
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિક પુરસ્કારો રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ સેવાઓની માન્યતા દર્શાવે છે, જે ગૌરવની વાત છે. પરંતુ તેનો ઉપયોગ લશ્કરી રેન્ક કે ડોક્ટર-પ્રોફેસર જેવી શૈક્ષણિક પદવીઓની જેમ નામ સાથે જોડી શકાય નહીં. આવો ઉપયોગ કાયદેસર રીતે અસ્વીકાર્ય છે અને તે લોકશાહીના સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર થતા આ પુરસ્કારો દેશના સર્વોચ્ચ સન્માનો છે, પરંતુ તેની ગરિમા જાળવવા માટે તેનો દુરુપયોગ કે પદવી તરીકે ઉપયોગ ન કરવાની કાયદાકીય મર્યાદાઓ પણ એટલી જ સ્પષ્ટ છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
