News of Saturday, 27th December 2025
કોલ્હાપુરને મળી હાઈકોર્ટની ભેટ: સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના સર્કિટ બેન્ચના નિર્ણય પર મારી મહોર; હવે દક્ષિણ મહારાષ્ટ્રના ૫ જિલ્લાના લોકોને ન્યાય માટે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે
મુખ્ય ન્યાયાધીશ 'રોસ્ટરના માસ્ટર' છે - સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી; પુણે-સોલાપુરની દલીલો ફગાવી, રાજ્યપાલની મંજૂરી બાદ કોલ્હાપુરમાં શરૂ થશે હાઈકોર્ટની બેઠક

નવી દિલ્હી : દક્ષિણ મહારાષ્ટ્રના લોકોની વર્ષો જૂની માંગણી આખરે પૂર્ણ થઈ છે. સુપ્રીમ કોર્ટે કોલ્હાપુરને બોમ્બે હાઈકોર્ટની વધારાની બેઠક (Circuit Bench) તરીકે સ્થાપિત કરવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સત્તાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ન્યાયિક કાર્યના સુચારુ સંચાલન માટે બેઠકનું સ્થળ નક્કી કરવાનો અધિકાર મુખ્ય ન્યાયાધીશનો વિશિષ્ટ વિશેષાધિકાર છે.
પાંચ જિલ્લાના લાખો લોકોને થશે સીધો ફાયદો
બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેઠકની સ્થાપનાથી મુખ્યત્વે પાંચ જિલ્લાઓ – કોલ્હાપુર, સાંગલી, સતારા, રત્નાગિરિ અને સિંધુદુર્ગ માંથી ઉદ્ભવતા કેસોનું નિરાકરણ ત્યાં જ આવશે. અત્યાર સુધી આ પ્રદેશના લોકોએ નાની-નાની કાનૂની લડાઈ માટે મુંબઈના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે ન્યાય તેમના ઘરઆંગણે પહોંચશે.
પુણે અને સોલાપુરની દલીલો કોર્ટે ફગાવી
અરજદાર રણજીત બાબુરાવ નિમ્બાલકરે આ નિર્ણય સામે વાંધો ઉઠાવતા એવી દલીલ કરી હતી કે પુણે કે સોલાપુર જેવા શહેરોને બદલે કોલ્હાપુરની પસંદગી કરવી એ ભેદભાવપૂર્ણ છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે માળખાગત સુવિધાઓ અને વહીવટી અનુકૂળતાના આધારે હાઈકોર્ટે લીધેલો આ નિર્ણય તર્કસંગત છે. કોર્ટે કહ્યું કે, "ન્યાયને લોકોની નજીક લાવવો એ બંધારણીય દ્રષ્ટિકોણ છે અને તેમાં અદાલતોએ દખલગીરી કરવી જોઈએ નહીં."
રાજ્યપાલની મંજૂરી બાદ પ્રક્રિયા પૂર્ણ થશે
રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ ૫૧(૩) મુજબ, મુખ્ય ન્યાયાધીશ પાસે રાજ્યપાલની મંજૂરીને આધીન રહીને નવી બેઠક નક્કી કરવાની સ્વતંત્ર સત્તા છે. કોર્ટે નોંધ્યું કે આ તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે. આ ચુકાદો આવ્યા બાદ હવે કોલ્હાપુરમાં હાઈકોર્ટના ન્યાયાધીશોની બેન્ચ બેસવાનો માર્ગ મોકળો થયો છે, જે મહારાષ્ટ્રના ન્યાયિક ઇતિહાસમાં એક મોટું સીમાચિહ્ન છે.
દક્ષિણ મહારાષ્ટ્રના વકીલ મંડળો અને નાગરિકોમાં આ સમાચારને પગલે ખુશીની લહેર જોવા મળી રહી છે અને ફટાકડા ફોડીને આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
