<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

અમેરિકાનો 'મિશન પલાઉ': ટ્રમ્પનો માસ્ટરપ્લાન : હવે સમુદ્રની વચ્ચે ટાપુ પર રખાશે બિનઆમંત્રિત મહેમાનો!

પેસિફિકના નિર્જન ટાપુ અને અમેરિકાના વિશાળ વેરહાઉસ બનશે ઈમિગ્રન્ટ્સનું નવું ઠેકાણું: કોઈ પણ ગુનાહિત ઈતિહાસ વગરના હજારો લોકોને દેશનિકાલ કરવા માટે 75 મિલિયન ડોલરનો ખાનગી સોદો પાર પાડ્યો

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. નાતાલના પર્વ પર તેમણે એક એવી યોજનાનો ખુલાસો કર્યો જેણે માનવાધિકાર સંગઠનોમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે પેસિફિક મહાસાગરમાં આવેલા ટચુકડા દેશ 'પલાઉ' સાથે 75 મિલિયન ડોલરનો એક ગુપ્ત સોદો કર્યો છે. આ સમજૂતી હેઠળ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પરંતુ કોઈ પણ ગુનાહિત રેકોર્ડ ન ધરાવતા લોકોને હજારો માઈલ દૂર આ અજાણ્યા ટાપુ પર મોકલી દેવામાં આવશે. આ યોજનાને કારણે પલાઉ હવે અમેરિકાના 'બિનઆમંત્રિત મહેમાનો' માટે જેલ જેવું સ્વર્ગ બનશે કે કેમ તે પ્રશ્ન આખા વિશ્વમાં ચર્ચાઈ રહ્યો છે.

પલાઉ એવો ટાપુ સમૂહ છે જેનું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે, જે અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્ય કરતા પણ છ ગણું નાનું છે. માત્ર 18,000ની વસ્તી ધરાવતા આ દેશમાં હવે અમેરિકાથી મોકલવામાં આવેલા 'ત્રીજા દેશના નાગરિકો'નો વસવાટ થશે. પ્રારંભિક તબક્કે 75 જેટલા લોકોને ત્યાં મોકલીને આ પ્રયોગ શરૂ કરવામાં આવશે, જેમને ત્યાં જ કામ કરવાની અને સ્થાયી થવાની શરતો રાખવામાં આવી છે. ટ્રમ્પની આ "ઇમિગ્રેશન ક્રેકડાઉન" નીતિ અત્યંત કડક છે, કારણ કે તેઓ એવા દેશોમાં લોકોને મોકલી રહ્યા છે જ્યાંથી તેઓ મૂળભૂત રીતે આવ્યા પણ નથી. આ યોજના પાછળનો હેતુ અમેરિકાની ધરતી પરથી ઈમિગ્રન્ટ્સનો ભાર હળવો કરવાનો છે.

માત્ર વિદેશી ટાપુ જ નહીં, પણ અમેરિકાની સરહદોની અંદર પણ ટ્રમ્પે 'ઓપરેશન હોલ્ડિંગ'ની તૈયારીઓ કરી લીધી છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકામાં સાત વિશાળ વેરહાઉસ (ગોડાઉન) ખરીદવાની પ્રક્રિયામાં છે, જેને ખાસ પ્રકારના હોલ્ડિંગ સેન્ટરોમાં ફેરવવામાં આવશે. આ સાત વેરહાઉસમાં એકસાથે 80,000 જેટલા ઈમિગ્રન્ટ્સને રાખવાની ક્ષમતા હશે. ટ્રમ્પનું માનવું છે કે ઈમિગ્રન્ટ્સ 'અમેરિકન ડ્રીમ' ચોરી રહ્યા છે, અને તેથી જ તેઓ વહીવટીતંત્રની પૂરેપૂરી તાકાત લગાવીને આ લોકોને દેશની મુખ્ય ધરતી પરથી દૂર કરવા માંગે છે. આ આક્રમક વ્યૂહરચનાએ આગામી દિવસોમાં મોટા કાયદાકીય અને રાજકીય વિવાદોના સંકેત આપ્યા છે.

(10:44 PM IST)