News of Saturday, 27th December 2025
ટ્રમ્પના 'ટેરિફ વોર' સામે BRICSનો માસ્ટરપ્લાન: ૨૦૨૬માં અમેરિકી દબદબાનો આવશે અંત? ડોલરને પછાડવા ભારત, ચીન અને રશિયા વચ્ચે રચાશે અભેદ્ય કવચ
૧ જાન્યુઆરીથી ભારત સંભાળશે BRICSનું સુકાન - ટ્રમ્પની ૧૦૦% ટેરિફની ધમકી હવે અમેરિકા પર જ પડશે ભારે; તેલ, સોનું અને આર્થિક શક્તિના જોરે 'બ્રિક્સ' દેશો ખેલશે નવો દાવ

નવી દિલ્હી: વિશ્વના રાજકીય અને આર્થિક મંચ પર ૨૦૨૬નું વર્ષ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારત ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી 'BRICS' (બ્રિક્સ) સંગઠનનું પ્રમુખપદ સંભાળશે. આ એક એવો સમય છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ટેરિફ નીતિઓએ ભારત, ચીન અને રશિયા જેવી મહાસત્તાઓને એકબીજાની નજીક લાવી દીધી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા જે BRICS દેશોને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી રહ્યું હતું, તે જ દેશો હવે અમેરિકી વર્ચસ્વ માટે મોટો પડકાર બનીને ઉભરી રહ્યા છે.
અત્યાર સુધી વૈશ્વિક વેપારમાં યુએસ ડોલરનું એકહથ્થુ શાસન હતું, પરંતુ હવે બ્રિક્સ દેશોએ પરસ્પર વેપારમાં પોતાની સ્થાનિક કરન્સી (જેમ કે રૂપિયો અને યુઆન) ને સત્તાવાર રીતે મંજૂરી આપીને ડોલરને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ૧૧ દેશોના આ સમૂહમાં હવે સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાન જેવા તેલ સમૃદ્ધ દેશો પણ સામેલ છે, જે વૈશ્વિક ક્રૂડ ઓઈલ ઉત્પાદનનો ૪૨ ટકા હિસ્સો ધરાવે છે. આ સ્થિતિ અમેરિકા માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે.
બ્રિક્સ દેશો હવે માત્ર વેપાર જ નહીં, પણ કૃષિ અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે પણ એક મજબૂત નીતિ ઘડી રહ્યા છે. આબોહવા પરિવર્તન અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારીને આ દેશો પશ્ચિમી દેશો પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે. વિશ્વની કુલ જીડીપીમાં ૨૯ ટકા યોગદાન આપતા આ દેશો જો એકજૂટ રહેશે, તો ૨૦૨૬ના અંત સુધીમાં વૈશ્વિક સોદાબાજીની શક્તિ (Bargaining Power) એશિયા તરફ નમી જશે.
નિષ્ણાતોની આગાહી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અમેરિકા માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. જો ભારત, ચીન અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે, તો અમેરિકા વૈશ્વિક બજારમાં એકલું પડી જાય તેવી સંભાવના છે. ૨૦૨૬માં ભારતની આગેવાની હેઠળ બ્રિક્સ જે નિર્ણયો લેશે, તે આગામી દાયકા માટે વિશ્વની આર્થિક દિશા નક્કી કરશે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
