News of Saturday, 27th December 2025
મનરેગાનું નામ બદલાતા રાહુલ ગાંધી લાલઘૂમ: "કેબિનેટને પૂછ્યા વગર જ મોદીએ લીધો નિર્ણય, આ તો વન મેન શો ચાલે છે!"; ૫ જાન્યુઆરીથી દેશભરમાં 'મનરેગા બચાવો' આંદોલનની ગુંજ ઉઠશે
નવી યોજના 'જી રામ જી' (VB-G RAM G) સામે કોંગ્રેસે રણશિંગુ ફૂંક્યું - ગરીબોના અધિકારો છીનવી લેવાનું કાવતરું હોવાનો આક્ષેપ; સીડબ્લ્યુસીની બેઠકમાં નિંદા પ્રસ્તાવ પસાર, સોનિયા-ખડગેની હાજરીમાં રણનીતિ ઘડાઈ

નવી દિલ્હી: કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની શનિવારે મળેલી હાઈપ્રોફાઈલ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને 'વિકસિત ભારત - જી રામ જી' (VB-G RAM G) કરવાના નિર્ણયની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ નિર્ણય લોકશાહી ઢબે નહીં પણ 'વન મેન શો'ની જેમ લેવામાં આવ્યો છે.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે મનરેગા જેવી ક્રાંતિકારી યોજનાનું નામ અને સ્વરૂપ બદલતા પહેલા વડાપ્રધાને પોતાની કેબિનેટ સાથે પણ ચર્ચા કરવાની તસ્દી લીધી નથી. તેમણે કહ્યું, "કેન્દ્રમાં અત્યારે માત્ર એક જ વ્યક્તિનું શાસન ચાલે છે. નરેન્દ્ર મોદી જે ઈચ્છે છે તે જ થાય છે. આ નિર્ણય સીધો પીએમઓ (PMO) માંથી લેવામાં આવ્યો છે." રાહુલ ગાંધીના મતે આ યોજનામાં ફેરફાર કરીને સત્તા રાજ્યો પાસેથી છીનવીને કેન્દ્રને સોંપવામાં આવી રહી છે, જે સંઘીય માળખા પર સીધો હુમલો છે.
કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું કે મનરેગા માત્ર એક યોજના નથી, પરંતુ વર્ષ ૨૦૦૫માં યુપીએ સરકાર દ્વારા આપવામાં આવેલો એક કાયદાકીય અધિકાર છે. જેણે લાખો ગ્રામીણ પરિવારોને લઘુત્તમ વેતનની ગેરંટી આપી હતી. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી કે નવી યોજનાથી ગ્રામીણ અર્થતંત્ર પડી ભાંગશે અને તેનો સીધો ફાયદો માત્ર ગણતરીના ઉદ્યોગપતિઓને જ થશે.
સરકારના આ પગલાના વિરોધમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી છે કે ૫ જાન્યુઆરીથી પક્ષ દ્વારા દેશવ્યાપી "મનરેગા બચાવો અભિયાન" શરૂ કરવામાં આવશે. સીડબ્લ્યુસીની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે સહિતના તમામ વરિષ્ઠ નેતાઓએ એકસૂરે આ બિલને ગરીબ વિરોધી ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સંસદમાં પણ વિપક્ષે આ બિલની નકલો ફાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મળેલી આ બેઠક બાદ હવે દેશભરમાં રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા છે. કોંગ્રેસ હવે આ મુદ્દાને જનતાની વચ્ચે લઈ જઈને ગરીબોના હક માટે લડવાની તૈયારી કરી રહી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
