News of Saturday, 27th December 2025
દેશસેવા કાજે ફાઝિલ્કાનો લાડકવાયો શહીદ: શિલોંગમાં BSF જવાન રાજિન્દર સિંહનું બલિદાન; ફેબ્રુઆરીમાં જે ઘરે જાન આવવાની હતી ત્યાં હવે સૈન્ય સન્માન સાથે નીકળશે અંતિમ યાત્રા
લગ્નની કંકોતરીઓ વહેંચાઈ ગઈ હતી અને ઘરમાં ખરીદી ચાલતી હતી, ત્યાં જ કાળનો પંજો પડ્યો - ૨ દિવસ પહેલા જ વિડિયો કોલ પર બહેન સાથે કરી હતી છેલ્લી વાત; મુખ્યમંત્રી ભગવંત માને શહીદને આપી સલામી

ફાઝિલ્કા: પંજાબના ફાઝિલ્કા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ગામ 'ઝુગ્ગે ગુલાબ સિંહ'માં આજે માતમ છવાઈ ગયો છે. આ ગામનો ૩૦ વર્ષીય બહાદુર BSF જવાન રાજિન્દર સિંહ મેઘાલયના શિલોંગમાં ફરજ દરમિયાન અકસ્માતનો ભોગ બનતા શહીદ થયો છે. હજુ બે વર્ષ પહેલા જ જે જવાનનું ગામમાં બેન્ડ-વાજા સાથે ભવ્ય સ્વાગત થયું હતું, તેના જ બલિદાનના સમાચારથી આખું ગામ હિબકે ચડ્યું છે.
રાજિન્દર સિંહના પરિવારમાં અત્યારે લગ્નની ધૂમ તૈયારીઓ ચાલી રહી હતી. ફેબ્રુઆરી ૨૦૨૬માં તેના લગ્ન નક્કી થયા હતા અને કંકોતરીઓ પણ છપાઈ ગઈ હતી. પરિવારજનોએ જણાવ્યું કે, રાજિન્દર સપ્ટેમ્બરમાં સગાઈ કરીને ફરજ પર પાછો ફર્યો હતો. તે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં રજા પર આવવાનો હતો, પરંતુ કુદરતને કઈંક અલગ જ મંજૂર હતું. જે દીકરાના લગ્નના મંગળ ગીતો ગાવાની તૈયારી હતી, ત્યાં હવે આક્રંદ સંભળાઈ રહ્યું છે.
બહેને બતાવી હતી લગ્નની ખરીદી: માત્ર બે દિવસ પહેલા ૨૪ ડિસેમ્બરે રાજિન્દર સિંહે તેની માતા, બહેન અને ભાઈ સાથે વિડિયો કોલ પર વાત કરી હતી. તેની બહેન બજારમાં લગ્નની ખરીદી કરી રહી હતી અને તે તેને નવી વસ્તુઓ બતાવી રહી હતી. રાજિન્દરે ખૂબ જ ખુશ થઈને કહ્યું હતું કે તે જલ્દી ઘરે આવશે. કોઈને અંદાજ નહોતો કે હસતા મુખે થયેલી આ વાતચીત જવાનની અંતિમ વાતચીત બની રહેશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ રાજિન્દર સિંહના બલિદાનને સલામ કરતા કહ્યું કે, "રાષ્ટ્રની સેવામાં તેમની હિંમત ક્યારેય ભૂલાશે નહીં. પંજાબ સરકાર આ મુશ્કેલ સમયમાં પરિવારની સાથે છે." શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ જવાનના સર્વોચ્ચ બલિદાનને નમન કર્યા હતા.
શહીદ જવાનનો પાર્થિવ દેહ રવિવારે તેના વતન ગામ લાવવામાં આવશે, જ્યાં પૂરા સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશ માટે જીવ ન્યોછાવર કરનાર આ પુત્રના બલિદાનથી આખું પંજાબ ગર્વ અને શોકની લાગણી અનુભવી રહ્યું છે
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
