<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

શીખ દાદીમાની ઉદારતાએ માનવતા મહેકાવી! મસ્જિદ બનાવવા માટે પોતાની કિંમતી જમીન દાનમાં આપી; ૩ દાયકાની મુસ્લિમ બિરાદરોની પ્રતીક્ષાનો આવ્યો સુખદ અંત

ફતેહગઢ સાહિબના જખવાલી ગામમાં ૭૫ વર્ષીય રાજિન્દર કૌરે સ્થાપ્યું કોમી એકતાનું ઉદાહરણ; હિન્દુ-શીખ પરિવારો ભેગા મળીને મસ્જિદનું નિર્માણ કરશે, ૩.૫ લાખનું ફંડ પણ એકઠું કરાયું

ફતેહગઢ સાહિબ:  જ્યારે દુનિયા ધર્મના નામે વિભાજિત થઈ રહી છે, ત્યારે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના જખવાલી ગામમાંથી એક હૃદયસ્પર્શી સમાચાર આવ્યા છે. અહીં એક ૭૫ વર્ષીય વૃદ્ધ શીખ મહિલા બીબી રાજિન્દર કૌરે મુસ્લિમ સમુદાય માટે મસ્જિદ બનાવવા પોતાની ૫ મરલા જમીન દાનમાં આપી દીધી છે. આ ઉમદા કાર્ય દ્વારા તેમણે સાબિત કરી દીધું છે કે માનવતાનો ધર્મ સૌથી મોટો છે.
જખવાલી ગામમાં શીખ અને હિન્દુ પરિવારોની બહુમતી છે, જ્યારે આશરે ૧૦ ટકા મુસ્લિમ વસ્તી છે. ગામમાં ગુરુદ્વારા અને શિવ મંદિર તો હતા, પણ મસ્જિદ ન હોવાને કારણે મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢવા માટે ૨ કિલોમીટર દૂર બીજા ગામે જવું પડતું હતું. છેલ્લા ત્રણ દાયકાથી ગ્રામજનો આ સમસ્યાનો ઉકેલ શોધતા હતા. તાજેતરની પંચાયત ચૂંટણીમાં જ્યારે રાજિન્દર કૌરના પૌત્ર મોનુ સિંહ પંચ તરીકે ચૂંટાયા, ત્યારે પરિવારને ખબર પડી કે ટેકનિકલ કારણોસર સરકારી જમીન મસ્જિદ માટે આપી શકાય તેમ નથી. આ જાણીને દાદીમાએ તુરંત પોતાની અંગત જમીન દાનમાં આપવાનો નિર્ણય લીધો હતો.
 પોતાના નિર્ણય વિશે વાત કરતા બીબી રાજિન્દર કૌરે ગર્વ સાથે જણાવ્યું કે, "અમારા શીખ ગુરુ સાહેબોએ હંમેશા માનવતાની સેવા અને દરેક ધર્મનો આદર કરવાનું શીખવ્યું છે. મને ખૂબ આનંદ છે કે હવે અમારા ગામના મુસ્લિમ ભાઈઓને બંદગી કરવા માટે બીજા ગામ નહીં જવું પડે." ખાસ વાત એ છે કે જે વિસ્તારમાં આ મસ્જિદ બની રહી છે ત્યાં પહેલેથી જ મંદિર, ગુરુદ્વારા અને દરગાહ આવેલા છે, જે હવે આ ગામને સર્વધર્મ સંભાવનું પ્રતીક બનાવશે.
 માત્ર જમીન જ નહીં, પણ મસ્જિદના નિર્માણ માટે ગામના હિન્દુ અને શીખ પરિવારોએ અત્યાર સુધીમાં ૩.૫ લાખ રૂપિયાનું ફંડ પણ એકઠું કર્યું છે. મસ્જિદ સમિતિના પ્રમુખ કાલા ખાને આ ઉદારતા બદલ સમગ્ર ગામનો આભાર માન્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં મસ્જિદનું કામ પૂર્ણ થવાની ધારણા છે. પંજાબના શાહી ઈમામ મૌલાના ઉસ્માન લુધિયાનવીએ પણ આ ઘટનાને દેશ માટે એક મહાન ઉદાહરણ ગણાવ્યું છે.

(11:53 PM IST)