<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ભારત વિરુદ્ધ પાકિસ્તાની આતંકીઓનું નવું 'લેડીઝ વિંગ' કાવતરું! મસૂદ અઝહરની બહેનની એન્ટ્રી સાથે જેશ-એ-મોહમ્મદ ૨૦૨૬માં મોટા હુમલાની ફિરાકમાં

POK ના મીરપુરમાં ૧ જાન્યુઆરીથી શરૂ થશે ૭ દિવસનો 'તરબિયા ટ્રેનિંગ કેમ્પ' - મહિલા આતંકીઓને હથિયાર ચલાવવાની તાલીમ આપી ભારત મોકલવાની નાપાક તૈયારી; આસિમ મુનીરની મૌન મંજૂરી?

નવી દિલ્હી : પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જેશ-એ-મોહમ્મદ (JeM) ફરી એકવાર ભારત વિરુદ્ધ પોતાના લોહિયાળ મનસૂબાઓ સાથે સક્રિય થયું છે. તાજેતરના ગુપ્તચર અહેવાલો મુજબ, આતંકી મસૂદ અઝહરના આ સંગઠને વર્ષ ૨૦૨૬ માટે એક ભયાનક બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જેમાં પહેલીવાર મોટા પાયે 'ટેરરિસ્ટ લેડીઝ વિંગ' (મહિલા આતંકી પાંખ) નો ઉપયોગ કરવામાં આવનાર છે.
ખુફિયા જાણકારી મુજબ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ના મીરપુરમાં ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૭ દિવસીય 'દૌરા તરબિયા ટ્રેનિંગ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જેશ-એ-મોહમ્મદના નવા ભરતી થયેલા આતંકીઓ અને ખાસ કરીને મહિલા પાંખને સઘન તાલીમ આપવામાં આવશે. આ ટ્રેનિંગ કેમ્પમાં મસૂદ અઝહરની બહેનની એન્ટ્રી થઈ હોવાના અહેવાલ છે, જે મહિલા આતંકીઓને કટ્ટરપંથી બનાવવા અને હથિયાર ચલાવવા માટે તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરની પરોક્ષ મદદથી આ આતંકી સંગઠનો ફરી બેઠા થઈ રહ્યા છે. મહિલા આતંકીઓને આગળ લાવવા પાછળનો હેતુ સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો છે. આ મહિલા પાંખનો ઉપયોગ આત્મઘાતી હુમલા અથવા હથિયારોની હેરફેર માટે કરવામાં આવી શકે તેવી આશંકા સેવાઈ રહી છે.
 પાકિસ્તાનમાં થઈ રહેલી આ હિલચાલને જોતા ભારતીય સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ અત્યંત સાવધ થઈ ગઈ છે. સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ આતંકી કેમ્પ પર નજર રાખવામાં આવી રહી છે. ૨૦૨૬ માં ભારત સામે કોઈપણ પ્રકારના મોટા પડકારને પહોંચી વળવા માટે સેના દ્વારા 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવામાં આવી છે.

(11:56 PM IST)