<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

હિંસાની આગમાં હોમાયેલા બાંગ્લાદેશમાં નવું ગંભીર સંકટ! દેશમાં 'કોન્ડોમ' અને ગર્ભનિરોધક વસ્તુઓની ભારે અછત; હવે માત્ર ૩૯ દિવસનો જ સ્ટોક બાકી

૫૦ વર્ષમાં પહેલીવાર પ્રજનન દર વધતા વસ્તી વિસ્ફોટનો ભય - આર્થિક કંગાળી અને કાનૂની વિવાદોને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ; સરકારી કેન્દ્રોમાં 'ગર્ભનિરોધક ગોળીઓ' પણ ખૂટી પડી

ઢાકા:  બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતાના મોત બાદ ફાટી નીકળેલી હિંસા અને અરાજકતાની વચ્ચે હવે દેશ પર 'વસ્તી વિસ્ફોટ'નું જોખમ મંડરાઈ રહ્યું છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં કોન્ડોમ અને અન્ય ગર્ભનિરોધક સાધનોની ભારે અછત સર્જાઈ છે. દેશની કથળતી આર્થિક સ્થિતિ અને વહીવટી તંત્રના અભાવે આગામી એક મહિનામાં ગર્ભનિરોધકનો સ્ટોક સંપૂર્ણપણે ખાલી થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
 પરિવાર નિયોજન મહાનિર્દેશાલય (DGFP) ના રિપોર્ટ અનુસાર, હાલમાં દેશમાં કોન્ડોમનો જે જથ્થો છે તે વધુમાં વધુ ૩૯ દિવસ સુધી જ ચાલે તેમ છે. છેલ્લા ૬ વર્ષમાં ગર્ભનિરોધક વસ્તુઓના પુરવઠામાં ૫૭ ટકાનો જંગી ઘટાડો થયો છે. માત્ર કોન્ડોમ જ નહીં, પણ ગર્ભનિરોધક ગોળીઓમાં ૬૩ ટકા અને અન્ય સાધનોમાં પણ ૩૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, ખરીદી પ્રક્રિયામાં ચાલી રહેલા કાનૂની કેસોને કારણે નવો સ્ટોક લાવી શકાતો નથી.
 બાંગ્લાદેશ માટે આ સમાચાર વધુ ચિંતાજનક એટલે છે કારણ કે લગભગ ૫૦ વર્ષ બાદ દેશનો કુલ પ્રજનન દર (TFR) ૨.૩ થી વધીને ૨.૪ થયો છે. નિષ્ણાતો માને છે કે જો ગર્ભનિરોધકની અછત આવી જ રીતે ચાલુ રહેશે, તો જન્મદરમાં મોટો ઉછાળો આવશે અને કુટુંબ નિયોજનની વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે. લોકોમાં બે બાળકો સુધી મર્યાદિત રહેવાનો ખ્યાલ હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે.
 દેશમાં ચાલી રહેલી હિંસાને કારણે ફિલ્ડ લેવલના ૨૫ ટકા કર્મચારીઓના પદ ખાલી પડ્યા છે, જેઓ ઘરે-ઘરે જઈને કુટુંબ નિયોજનની સામગ્રી પહોંચાડતા હતા. હવે ભંડોળ અને માનવશક્તિના અભાવે આ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર માટે આ એક એવો પડકાર છે જેની સીધી અસર દેશના ભવિષ્ય અને સામાજિક માળખા પર પડશે.


 

(12:00 AM IST)