<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

અરવલ્લી બચાવવા સુપ્રીમ કોર્ટ મેદાને: સોમવારે ત્રણ જજની બેન્ચ કરશે સુનાવણી; ખાણકામ માફિયાઓને રોકવા માટે અદાલતે પોતે લીધી 'સુઓમોટો' નોંધ

૧૦૦ મીટરના વિવાદાસ્પદ ફોર્મ્યુલાથી પર્વતમાળાના વિનાશનો ભય - પર્યાવરણવિદોમાં જાગી આશા; CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ નક્કી કરશે રાજસ્થાન અને ગુજરાતના કુદરતી કવચનું ભવિષ્ય

નવી દિલ્હી:  ઉત્તર ભારતના ફેફસા સમાન ગણાતી અરવલ્લી પર્વતમાળામાં થઈ રહેલા ગેરકાયદેસર અને જોખમી ખાણકામ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજની સ્પેશિયલ વેકેશન બેન્ચ આગામી સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરશે. આશ્ચર્યજનક વાત એ છે કે સુપ્રીમ કોર્ટે આ મામલે પોતે જ સંજ્ઞાન (Suo Motu) લઈને સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે મોટી જીત માનવામાં આવી રહી છે.
તાજેતરમાં પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરવલ્લી માટે ૧૦૦ મીટરની ઊંચાઈની નવી વ્યાખ્યા રજૂ કરી હતી. આ નવી શરત મુજબ ૧૦૦ મીટરથી નીચેની ટેકરીઓમાં ખાણકામની મંજૂરી આપવાનો પ્રસ્તાવ હતો. જોકે, પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે જો આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો અરવલ્લીનો ૯૦ ટકા હિસ્સો જોખમમાં આવી શકે છે અને તેનાથી ખાણ માફિયાઓને સીધો ફાયદો થશે. ખાસ કરીને રાજસ્થાનના ૧૫ જિલ્લાઓમાં ફેલાયેલી આ પર્વતમાળા ગુજરાતના પર્યાવરણ માટે પણ રક્ષણ પૂરું પાડે છે.
 વર્ષ ૨૦૦૨માં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી હાઈ-પાવર પેનલે સરકારના આ ૧૦૦ મીટરના ફોર્મ્યુલાનો સખત વિરોધ કર્યો છે. પેનલનું કહેવું છે કે ૧૫ વર્ષ પહેલા ૨૦૧૦માં પણ કોર્ટે આ ફોર્મ્યુલાને નકારી કાઢ્યો હતો. ભારતીય વન સર્વેક્ષણ (FSI) ની વ્યાખ્યા મુજબ, અરવલ્લીની નીચલી ટેકરીઓ કે જેનો ઢાળ ત્રણ ડિગ્રી છે, તેમને પણ સંરક્ષણ મળવું જોઈએ. પરંતુ નવી દરખાસ્તમાં આ મહત્વના વિસ્તારોને રક્ષણની બહાર રાખવામાં આવ્યા છે.
 ગયા મહિને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે સરકારના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી દીધી હતી, પરંતુ હવે કોર્ટે પોતે જ આ મામલાની ગંભીરતા સમજીને ફરી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સોમવારની સુનાવણીમાં જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ બેન્ચમાં સામેલ હશે. આ ચુકાદો નક્કી કરશે કે રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી આ પ્રાચીન પર્વતમાળા કુદરતી સ્વરૂપમાં બચશે કે માફિયાઓના પથ્થરોમાં ફેરવાઈ જશે

(12:02 AM IST)