News of Sunday, 28th December 2025
ઓરોબિંદો ફાર્માનો યુએસ કંપની સાથેનો મોટો કરાર રદ: અમેરિકી ફર્મ 'બાયોફેક્ટુરા' સાથેનો લાયસન્સ સોદો આટોપી લેવાયો; સોમવારે બજાર ખુલતા શેર પર રહેશે રોકાણકારોની નજર
વ્યૂહાત્મક ફેરફારને પગલે 'CuraTeQ' અને 'BioFactura' વચ્ચે પરસ્પર સંમતિથી છેડો ફાટ્યો - સ્ટેલેરા (Stelara) દવાની બાયોસિમિલર યોજનામાં બદલાવ; કંપનીએ કહ્યું- "અમારી બિઝનેસ સ્ટ્રેટેજી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે"

હૈદરાબાદ : ફાર્મા ક્ષેત્રની જાણીતી કંપની ઓરોબિંદો ફાર્માએ શનિવારે શેરબજારને આપેલી માહિતીમાં એક મોટું અપડેટ જાહેર કર્યું છે. કંપનીની પેટાકંપની 'ક્યુરાટેક બાયોલોજિક્સ' (CuraTeQ Biologics) અને અમેરિકાની 'બાયોફેક્ટુરા ઇન્ક' (BioFactura Inc.) એ પરસ્પર સંમતિથી તેમનો લાયસન્સ કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ કરાર લોકપ્રિય દવા 'સ્ટેલેરા' (Stelara - Ustekinumab) ની બાયોસિમિલર આવૃત્તિના વ્યાપારીકરણ માટે કરવામાં આવ્યો હતો.
કંપનીના જણાવ્યા અનુસાર, જુલાઈ ૨૦૨૩માં થયેલો આ કરાર હવે ૨૭ ડિસેમ્બર ૨૦૨૫થી અમલમાં આવે તે રીતે રદ કરવામાં આવ્યો છે. ઓરોબિંદો ફાર્માએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય કંપનીની પોર્ટફોલિયો પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કંપની તેની બાયોસિમિલર વ્યૂહરચનામાં ફેરફાર કરી રહી છે અને આ સોદો રદ થવાથી તેની એકંદર વ્યવસાયિક કામગીરી પર કોઈ નોંધપાત્ર અસર પડશે નહીં.
આ કરાર અંતર્ગત, બાયોફેક્ટુરાને દવાના વિકાસ અને લક્ષ્યાંકો પૂરા કરવા બદલ લાયસન્સ ફી મળવાની હતી, જ્યારે ઓરોબિંદોની પેટાકંપની ક્યુરાટેક પાસે વૈશ્વિક ઉત્પાદન અધિકારો રહેવાના હતા. આ સોદો નફા-વહેંચણીના મોડલ પર આધારિત હતો. હવે આ કરાર રદ થતા બંને કંપનીઓ પોતપોતાની રીતે આગળ વધશે. ઓરોબિંદોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવહારમાં કોઈ પ્રમોટર ગ્રુપનું હિત જોડાયેલું નહોતું.
શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ઓરોબિંદો ફાર્માનો શેર ૧,૨૦૮.૩૦ રૂપિયા પર સ્થિર હતો. છેલ્લા એક વર્ષમાં શેરમાં લગભગ ૪.૮૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે રજાના દિવસે આવેલા આ સમાચારની અસર સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ શેરના ભાવ પર જોવા મળી શકે છે. નિષ્ણાતો માને છે કે આ એક વ્યૂહાત્મક નિર્ણય હોવાથી લાંબા ગાળે કંપનીને ફાયદો થઈ શકે છે.
(ડિસ્ક્લેમર: શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ લેવી આવશ્યક છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
